સુરતમાં કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું છે. કોરોના કેસમાં છેલ્લા એક માસમાં ઝડપથી વધારો થતા વહીવટી તંત્ર દ્વારા પણ વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવાની સાથે પુરતો ઓકિસજનનો જથ્થો મળી રહે તે માટેની વ્યવસ્થા માટે આગોતરુ આયોજન કરવામાં આવ્યું હતું. તે મુજબ હાલમાં ઓકિસજનનો જે પુરવઠો મળી રહે છે જે ઓકિસજનની જરૂરીયાતવાળા દર્દીઓની સંખ્યા વધતા ઓકિસજનની જરૂરિયાત પણ વધી છે અને તેમાં રોજ વધારો થઈ રહ્યો છે.
જ્યારે બીજી તરફ માંગ કરતા પુરવઠો ઓછો મળવાની ભીતિને લઈને શહેર જિલ્લાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સોમવાર સવારેથી કોરોના ગંભીર નવા દર્દીઓને દાખલ કરવાનું બંધ કરી દેવામાં આવતા અફરાતફરી મચી જવા પામી છે. આ ઉપરાંત જે રીતે ઓક્સિજની જરૂરિયાત વધી રહી છે તે મુજબ જથ્થો ઉપલબ્ધ નહીં થાય તો કટોકટી સર્જાશે તેવી શકયતા વ્યકત કરાઈ રહી છે. બીજી તરફ જિલ્લા કલેકટરે પણ ઓકિસજનની માંગની સામે પુરવઠો ઓછો હોવાની વાતને પુષ્ટી આપી છે જેથી પરિસ્થિતિ ગંભીર થવાની સાથે કટોકટી સર્જાય તેવી શકયતા નકારી શકાય તેમ નથી
આ સંદર્ભે ઉચ્ચ અધિકારીઓની મહત્વની ઍક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે સાથેસાથે રાજય સરકારમાં પણ માંગ મુજબનો જથ્થો મળી રહે તે માટેની રજુઆત કરવામાં આવી હોવાની સુત્રો દ્વારા જાણવા મળે છે. ઓકિસજની સંભવીત કટોકટીની શકયતાને પગલે ઓકિસજનનો બગાડ અને લીકેજ રોકવા માટેની ગાઈડલાઈન નક્કી કરાયા બાદ ઓકિસજની ઘટ પુરવા માટે બચત કરીને પણ દાખલ દર્દીઓને સારવાર આપવા માટે હોસ્પિટલોને આદેશ પણ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
વધુમાં સિવિલ હોસ્પિટલમાં આજે સવારથી કોરોનાના ગંભીર દર્દીને દાખલ કરવાનું બંધ કરાતા હોબાળો મચી ગયો હતો. ગંભીર પ્રકારના દર્દી આવતા હતા તેને હાલમાં સારવાર માટે દાખલ નહીં થાય તેવું કહી દેવાયું હતું. ખાનગી હોસ્પિટલોમાં હાલ ગંભીર દર્દીઓને દાખલ કરવાની જગ્યા નથી જેને કારણે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ધસારો થઇ રહ્યો છે. પરંતુ આજે અચાનક જ સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓને દાખલ કરવાની ના પાડી દેતા દર્દીના સગાની હાલત કફોડી થઇ રહી છે. ગંભીર દર્દીઓના સગાઓ દર્દીને લઇને ચિંતામાં જોવા મળી રહ્યા છે.
સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલે જણાવ્યું હતું કે શહેરમાં ઓકિસજનની અછત વર્તાઇ રહી છે. મહારાષ્ટ્રથી જે કંપની દ્વારા ઓક્સિજન મળતું હતું, તેમાં ઘટાડો થયો છે. જેને કારણે આપણે સુરત શહેરમાં જે પ્રકારની માંગ છે. તેની સામે પુરવઠો ખૂબ ઓછો છે. આજે સાંજ સુધી હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચે તે માટે અમે વ્યવસ્થા કરી રહ્યા છીઍ પરંતુ કાલથી સિચ્યુઍશન કેવી રીતે ઉભી થશે તે અંગે કહેવું ખૂબ મુશ્કેલ છે. રિલાયન્સ કંપની દ્વારા ઓક્સિજન સપ્લાય કરવાનું શરૂ કરાયું છે.
ઇન્ડિયન મેેડિકલ એસોસિયેશનની સુરત કોવિડ એક્શન કમિટીના ચેરમેન નિર્મલ ચોરડિયાએ જણાવ્યું કે ઓક્સિજનની કમીને કારણે આગામી કલાકોમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ પણ ઊભી થઇ શકે તેમ છે. એટલે તાકીદે ઓક્સિજનની વ્યવસ્થા તંત્ર કરે તેવી તાતી જરૂરિયાત છે.
સિવિલના કોવિડ હોસ્પિટલના ઇન્ચાર્જ ડો. પારૂલ વડગામાએ કહ્યું હતું કે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. વેન્ટીલેટર પરના દર્દીઓ માટે ઓક્સિજન નથી. એટલે જ સિવિલમાં દર્દીઓને દાખલ કરવાનું બંધ કરી દીધું છે..