
Surat News: હમણાં સુધી મંદીનો સામનો કરી રહેલા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવી તેજી, દરરોજ 240થી 250 ટ્રકોમાં સુરતથી અલગ-અલગ રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યા છે પાર્સલો
- સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવી અચાનક તેજી
- દિવાળી નજીક આવતા તેજીનો માહોલ
- છેલ્લા 18 મહિનાથી ઉદ્યોગ હતો મંદીના માહોલમાં
Surat News: છેલ્લા ઘણા સમયથી મંદીના માહોલમાંથી પસાર થઈ રહેલા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત મળી છે. નવરાત્રી, દિવાળી સહિતના તહેવારો નજીક છે, ત્યારે બહારગામથી ઓર્ડરો નીકળતા વેપારની નવી આશા જાગી છે. હમણાં સુધી મંદીનો સામનો કરી રહેલા સુરત ટેક્સટાઇલ્સ માર્કેટમાંથી પ્રતિદિવસ માંડ માંડ 50થી 60 જેટલી ટ્રક માલ ભરી અન્ય રાજ્યમાં જતી હતી, જે ટ્રકોની સંખ્યા વધીને 240થી 250 પર પહોચી છે. જેના પગલે દિવાળી સુધીમાં સુરત ટેક્સટાઇલ્સ માર્કેટને અંદાજીત આઠથી દસ હજાર કરોડનો વેપાર મળે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે

તહેવારો નજીક આવતા ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજી
દિવાળી નજીક આવતા સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ટ્રકોની ડિમાન્ડમાં વધારો થયો છે. આ અંગે સુરત ટેક્સટાઇલ ગુડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ યુવરાજ દેસલેએ જણાવ્યું કે, સુરત એક ટેક્સ્ટાઇલ હબ છે. જેમાં એશિયાની મોટામાં મોટી ટેક્સટાઇલ મંડી આવેલી છે. રક્ષાબંધનના પર્વ પર સુરતથી દરરોજ અંદાજીત 180 જેટલી ટ્રકો કાપડ અને સાડીના પાર્સલો લઈ અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતી હતી. પરંતુ હાલ દિવાળીનો તહેવાર નજીક છે અને ગઈકાલથી સુરતથી અલગ અલગ રાજ્યોમાં અંદાજીત 235 જેટલી ટ્રકમાં પાર્સલો મોકલવામાં આવ્યા છે.
ટ્રકોની વર્તાવા લાગી અછતઃ યુવરાજ દેસલ
તેઓએ જણાવ્યું કે, દિવાળીની સાથે સાથે આગામી દિવસોમાં નવરાત્રી, દુર્ગા પૂજા, લગ્નસરા અને બિહારમાં મુખ્ય છઠ પૂજાનો તહેવાર આવી રહ્યો છે. જેના કારણે સુરતથી દરરોજ 300 જેટલી ટ્રકો અન્ય રાજ્યોમાં જશે. આગામી દિવસોમાં આવી રહેલા દિવાળી સહિતના તહેવારોને પગલે માર્કેટ અને ટ્રાન્સપોર્ટ ગોડાઉન બહાર પણ પાર્સલોના ખડકલા થઈ રહ્યા છે. ટ્રાન્સપોર્ટ ગોડાઉનનો દ્વારા પણ હાલ બુકિંગ લેવામાં આવી રહ્યું છે. પાર્સલોના ખડકલાના કારણે ટ્રકોની પણ હાલ અછત વર્તાવા લાગી છે. પરંતુ તેમ છતાં બુકિંગ બંધ કરવામાં આવ્યું નથી. જોકે, તહેવારોને લઈ ટ્રાન્સપોર્ટ સંચાલકોને વધુ ડિસ્પેચિંગ મળવાનો આશાવાદ છે અને ટ્રકોની સંખ્યા પ્રતિદિવસ 300ને પાર કરી જાય તેવી શક્યતા છે.
અચાનક વધી તેજી
સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના મહામંત્રી દિનેશ કટારીયાએ કહ્યું કે, સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી 150થી વધુ ટેક્સટાઇલ માર્કેટોને આ વખતે પણ દિવાળી ફળે તેવી શક્યતા રહેલી છે. કારણ કે અલગ અલગ રાજ્યમાંથી કાપડની ડિમાન્ડ નીકળતા માર્કેટમાં પણ પાર્સલોના ખડકલા જોવા મળી રહ્યા છે. જે પાર્સલોનું ડિસ્પેચિંગ ઝડપથી થાય તેવા પ્રયત્ન ટ્રાન્સપોર્ટ સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ મંદીની માર સહન કરતો આવ્યો છે, પરંતુ દિવાળી સહિતના તહેવારો નજીક આવતા સારા વેપારની આશા ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ વ્યક્ત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…