Abhayam News
Dr. Chintan VaishnavEditorials

યત્ર નાર્યસ્તુ પૂજયન્તે… ?

◆ વર્ષો પહેલા 19 ની સદીમાં દીકરી જન્મે એટ્લે તેને દૂધ પીતી કરવાનો કુરિવાજ પ્રચલિત હતો. મોટે ભાગે દીકરાની ઇચ્છા રાખવાવાળા આ પુરુષપ્રધાન સમાજમાં દીકરી જન્મે તો એક મોટા તપેલામાં દૂધ ભરીને નવજાત બાળકીને તેમાં ડૂબાડીને મારી નાંખવાનું ક્રૂર કૃત્ય કરતાં હતા. એ સમયે રાજા રામમોહનરાય નામના મહાન વ્યક્તિએ આ પ્રથા સામે બંડ પોકારેલો. તેમણે તે સમયે સતીપ્રથા, બાળલગ્ન વગેરે જેવી બદીઓની સાથોસાથ દીકરીને દૂધ પીતી કરવાની પ્રથા સામે પણ જબરદસ્ત આંદોલન શરૂ કરેલ. આ તમામ કુરિવાજો તેમણે બંધ કરાવ્યા અને સમાજને સુધારવાના સક્ષમ પગલાઓ બદલ આજે પણ તેમને ’નવજાગૃતિના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે.

◆ 19 મી સદીમાં જ્યારે ટેકનૉલોજિનો ખાસ વિકાસ થયો ન હતો ત્યારે ગર્ભમાં રહેલું બાળક દીકરો છે કે દીકરી તેનો સ્પષ્ટ ખ્યાલ આવતો નહીં. આથી બાળકનો જન્મ થાય પછી જો એ દીકરી હોય તો મોટા વાસણમાં દૂધ ભરીને દીકરીને ડૂબાડી દેવામા આવતી જેથી તેનો શ્વાસ રુંધાઇ જવાથી તેનું મૃત્યુ નીપજતું. જ્યારે અત્યારના આધુનિક સમયમાં ટેક્નોલોજીના વિકાસને કારણે બાળક જ્યારે ગર્ભમાં જ હોય છે તે દરમિયાન ‘સોનોગ્રાફી’ જેવી આધુનિક સિસ્ટમની મદદથી બાળકની જાતિ જાણી શકાય છે. જો ગર્ભસ્થ બાળક દીકરી હોય તો ગર્ભમાં જ તેની હત્યા કરવામાં આવે છે. ટૂંકમાં તેને આ દુનિયામાં આવવા પણ દેવામાં આવતી નથી. આ ઘટનાને આપણે ‘સ્ત્રી ભ્રૂણહત્યા’ નામથી ઓળખીએ છીએ.

◆ કેટલાક સમાજમાં આટલા વર્ષો પછી પણ દીકરી પ્રત્યે અદેખાઈ રાખવામા અને દીકરાની ઘેલછા રાખવામા આવતી હોવાનું ધ્યાને આવે છે. વર્ષ 2016માં હું જ્યારે બાબરા ખાતે મામલતદાર તરીકે ફરજ પર હતો ત્યારે અહી એક મંદિરે પ્રાણીઓની બલી ચડાવવામાં આવતી હોવાની બાતમી મળતા પોલીસને સાથે રાખીને મે આકસ્મિક તપાસ કરતાં કેટલાક લોકો આવું પિશાચી કૃત્ય કરતાં પકડાયા પણ ખરા. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, કોઈ તાંત્રિકે કહ્યું હતું કે બકરાની બલી ચડાવીને એનું શાક બનાવીને 21 જણાને ખવરાવશો તો ભગવાન ખુશ થશે અને તો જ દીકરો આપશે. હવે વિચારો કે આ બેનને 5-5 દીકરીઓ હતી, ગરીબ પરિવાર હતો છ્ત્તા દીકરાની ઘેલછા કેવી કહેવાય કે તાંત્રિકનું માનીને આવું કારસ્તાન કરવા નીકળી પડ્યા હતા !!

◆ આવા જ એક ભણેલ ગણેલ વ્યક્તિઓના કિસ્સામાં મારા જ એક મિત્રને ત્રણ સંતાનો છે. જે પૈકી ત્રીજું બાળક દીકરો જનમ્યો એટ્લે બસ કર્યું. એક વખત ઘરખર્ચ માટે પૈસાની જરૂર હતી ત્યારે મને ફોન કર્યો એટ્લે મે પુછ્યું કે, “ભાઈ તારો મધ્યમવર્ગી પરિવાર હોવા છ્ત્તા તે ત્રણ-ત્રણ બાળકો શા માટે પેદા કર્યા ? તે કેમ કોઈ ફેમિલી પ્લાનિંગ કર્યું નહીં ?” તો મને કહે કે, “મને અને મારી પત્ની બંનેને દીકરાની ઇચ્છા હતી. અગાઉ બંને બેબીઓના જન્મ સમયે ખૂબ પ્રયત્નો કરવા છ્ત્તા સોનોગ્રાફીમાં હું એમની જાતિ જાણવામાં નિષ્ફળ રહ્યો હતો. આ વખતે ઈશ્વરના આશીર્વાદથી બાબાનો જન્મ થયો.

◆ મને ગુસ્સો આવ્યો અને સાથોસાથ ખૂબ જ નવાઈ પણ લાગી. કારણકે મારો એ મિત્ર વ્યવસાયે શિક્ષક છે. હવે વિચારો મિત્રો કે, શિક્ષક કે જે સમાજનું ઘડતર કરવાનું કામ કરતો હોય છે એ પણ જો દીકરો-દીકરીને એકસમાન ગણતો ન હોય તો આમ આદમી પાસેથી શું અપેક્ષા રાખવાની ? મને એ પણ નવાઈ લાગી કે, પુરુષ પોતે દીકરાનો આગ્રહ રાખે તો હજુ સમજી શકાય પરંતુ અહી તેની પત્ની પણ સ્ત્રી થઈને દીકરાના જન્મને મહત્વ આપતી હતી ! ભારતમાં કરવામાં આવેલ અભ્યાસો સ્ત્રી ભૃણહત્યા માટે જવાબદાર મુખ્ય ત્રણ કારણોનો નિર્દેશ કરે છે. (1) આર્થિક ઉપયોગિતા (2) સામાજિક ઉપયોગિતા અને (3) ધાર્મિક રિવાજો.

◆ કુટુંબમાં ખેત મજૂરી, ધંધા-વ્યાપાર, વેતન કમાવવા અને મોટી ઉંમરે ટેકો આપવામાં દીકરીઓ કરતા દીકરાઓની વધુ શક્યતા છે. લગ્ન બાબતે દીકરો હોય તો વહુ કુટુંબમાં વધુ એક મિલકત તરીકે આવે. જે કુટુંબને ઘરના કામોમાં મદદરૂપ થાય. દહેજના રૂપે આર્થિક વળતર પણ લાવે. જ્યારે દીકરી હોય તે તેના લગ્ન થાય એટલે તેણે સામું દહેજ આપવુ પડે. ચીનની જેમ ભારતમાં કુટુંબ પિતૃશાહી અને પિતૃસત્તાક વ્યવસ્થા છે જેથી કુટુંબનો વારસો ચાલુ રાખવા માટે એક પુત્ર જરૂરી છે. એકથી વધારે પુત્રો હોવા એ કુટુંબનો દરજ્જો વધારે છે. વધુમાં ભ્રૂણ હત્યાઓ પાછળનું સૌથી મહત્વનુ પરિબળ એ છે કે, હિંદુ પરંપરા મુજબ માત્ર દીકરાઓ જ ધાર્મિક ક્રિયાઓ કરી શકે છે, જેનાથી સ્મશાન ક્રિયા અને આત્માની મુક્તિ માટે દીકરો હોય તે ફરજિયાત થઈ જાય છે, એવું પણ કેટલાક નાસમજ લોકો માને છે.

◆ છેલ્લા કેટલાક સમયથી થતી સ્ત્રી ભ્રૂણહત્યાને પરિણામે પુરુષ અને સ્ત્રીની સંખ્યામાં પણ ઘણો મોટો તફાવત જોવા મળી રહ્યો છે. હાલમાં ભારતમાં સ્ત્રી-પુરુષ પ્રમાણ 1000 પુરુષોની સરખામણિમાં સ્ત્રીઓ માત્ર 943 જ છે. આપને નવાઈ લાગશે કે, વધુ શિક્ષિત વિસ્તારો એટલે કે શહેરી વિસ્તારોમાં દર 1000 પુરૂષોએ સ્ત્રીઓનુ પ્રમાણ ખૂબ ઓછું 929 નું છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમા આ રેશિયો દર હજાર પુરૂષોએ 949 સ્ત્રીઓનો છે. એક તરફ જ્યારે આપણે ભારત દેશને ‘ભારતમાતા’ એટ્લે કે એક સ્ત્રીજાતિ તરીકે વિશ્વમાં ઓળખાવતા ગર્વ અનુભવીએ છીએ ત્યારે સમગ્ર એશિયા ખંડના 51 દેશોમાં જેન્ડર રેશિયોમાં ભારતનું સ્થાન 43 મું છે. જે એક વિચારતા કરી મૂકે તેવી બાબત ગણાય.

◆ સમગ્ર દેશમાં સૌથી વધારે પુરુષ-સ્ત્રી પ્રમાણ 1000-1084 કેરળમાં જોવા મળે છે. ગુજરાતની વાત કરીએ તો પુરુષ-સ્ત્રી પ્રમાણ 1000-918 નું છે. સમગ્ ભારત દેશના તમામ 33 રાજ્યોમાં આ બાબતે ગુજરાતનું સ્થાન 23 માં ક્રમે છે. આ બાબતે આપણે બિહાર જેવા પછાત રાજ્યની લગોલગ છીએ. જે ગતિશીલ ગુજરાતની નંબર 1 ની વાતો કરનારી રાજ્ય સરકાર માટે શરમજનક ગણાય. માત્ર “બેટી બચાવો, બેટી પઢાવો” ની મોટી મોટી વાતો કરવા માત્રથી કશું પરિણામ મળવાનું નથી.

◆ ટેબલ નં.1: વસતિ ગણતરી 2011 મૂજબ કેટલાક શહેરોનો જેન્ડર રેશિયો અને સાક્ષરતા દર્શાવતુ ટેબલ.

શહેર
પુરુષ-સ્ત્રી પ્રમાણ
સાક્ષરતા રેટ

સુરત
787
85.53

અમદાવાદ
904
85.31

આણંદ
925
84.37

બનાસકાંઠા
938
65.32

દાહોદ
990
58.82

ડાંગ
1006
75.16

◆ ટેબલ નંબર 1 માં આપવામાં આવેલા કેટલાક 2011 વસતિ ગણતરી મુજબના આંકડાઓ પરથી આપણને જાણવા મળશે કે જ્યાં સૌથી વધુ સાક્ષરતા જોવા મળે છે ત્યાં સ્ત્રી-પુરુષ પ્રમાણ સૌથી ઓછું જોવા મળે છે અને જ્યાં સૌથી ઓછી સાક્ષરતા જોવા મળે છે ત્યાં સ્ત્રી-પુરુષ પ્રમાણ વધારે જોવા મળે છે. સૌથી વધુ સાક્ષરતા ધરાવતા સુરતમાં દર 1000 પુરૂષોએ માત્ર 787 સ્ત્રીઓ નોંધાઈ છે. જ્યારે ડાંગ જેવા એકદમ પછાત જીલ્લામાં સુરતની સરખામણીમાં સાક્ષરતા ઓછી પરંતુ 1000 પુરૂષોએ સ્ત્રીઓનુ પ્રમાણ 1006 જોવા મળે છે. દાહોદ જેવા સૌથી ઓછા સાક્ષર જિલ્લામાં પણ દર 1000 પુરૂષોએ સ્ત્રીઓનુ પ્રમાણ સુરત અને અમદાવાદ જેવા સાક્ષર જિલ્લાઓ કરતાં ઘણું વધુ 990 જોવા મળે છે.

◆ ટૂંકમાં અહી તો સર્વેના પરિણામો એવા જોવા મળે છે કે, લોકો જેમ જેમ સાક્ષર થતાં જાય છે તેમ તેમ સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ વધતું જાય છે. શિક્ષિત લોકો વધુ ક્રાઇમ કરી રહ્યા હોય એવું અહી ફલિત થાય છે. સમગ્ર દેશમાં હાલ હરિયાણાની પરિસ્થિતી ખૂબ જ ખરાબ છે. ત્યાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોવાથી ખૂબ મોટી ઉંમર સુધી પુરૂષોને લગ્ન માટે યોગ્ય પાત્ર મળતું નથી. આમને આમ ચાલતું રહેશે તો આવનારા દિવસોમાં મહિલાઓ ઉપર થતાં છેડતી અને બળાત્કારના કિસ્સાઓનું પ્રમાણ વધતું જ જશે એ બહુ જ સ્વાભાવિક છે.

◆ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના આંકડાઓ પ્રમાણે ભારતમાં દર 15 મિનિટે એક બળાત્કાર નોંધાય છે. હવે આ તો સરકારી આંકડાઓ છે. વિચારો કે ખરેખર પરિસ્થિતી કેટલી ગંભીર હશે ! દર વર્ષે નોંધાતા બનાવો પૈકી 27.8% કિસ્સાઓમાં 18 વર્ષથી નાની યુવતીઓ ભોગ બનતી હોય છે. આવા અઢળક કિસ્સાઓ તો હજુ નોંધાતા પણ નથી. દુ:ખની વાત તો એ છે કે આવા ગંભીર ગુનાઓમા સજા થવાનો દર ખૂબ જ ઓછો થવા લાગ્યો છે. વર્ષ 1973 માં સજાનો દર 44.3% હતો જ્યારે વર્ષ 2019 માં ઘટીને 23% આસપાસ થયો છે. જેના કારણે ગુનાહિત કૃત્ય કરનારાઓને બળ મળે છે.

◆ હમણાં જ તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના હાથરસમાં એક યુવતી સાથે ગેંગરેપ થયો અને તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. આ ઘટનાના તરત જ બીજા દિવસે ઉત્તરપ્રદેશમાં જ બલરામપુર જીલ્લામાં એક 22 વર્ષીય યુવતી સાથે હેવાનોએ ગેંગરેપ કર્યો અને ખૂબ માર માર્યો જેના કારણે તેનું મૃત્યુ નીપજયું. વર્ષ 2012 ની દિલ્હીની ઘટના ‘નિર્ભયા ગેંગરેપ કેસ’ આજે પણ આપણે ભૂલી શક્યા નથી. 23 વર્ષીય કોલેજીયન યુવતી પર ચાલુ બસે ગેંગરેપ કરવામાં આવ્યો અને આપણે કલ્પના પણ ન કરી શકીએ એવી પીડા નરાધમોએ તેને આપી. આ લેખમાં આગળ ઉપર જણાવ્યા પ્રમાણે દર 15 મિનિટે આવો 1 કિસ્સો બને છે. છ્ત્તા મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણની મોટી મોટી ગુલબાંગો ફેંકનાર તંત્ર નીંભર બનીને જોઈ રહ્યું છે.

◆ મને તો એક વાતની એટલી બધી નવાઈ લાગે છે કે, બળાત્કાર કરનાર અને મહિલાને માર મારનાર આ દૃષ્ટોને પોલીસ પકડે છે. એમને જેલમાં સાચવે છે. એમના ઉપર કેસ ચાલે છે. આવા નીચ માણસો માટે પણ કેટલાક વકીલો કેસ લડવા તૈયાર થઈ જાય છે. વર્ષો સુધી દલીલો ચાલે છે. ન પૂછવાના પ્રશ્નો પીડિતાને પૂછીપૂછીને તેના માનસિક તાણમાં વધારો કરવામાં આવે છે. પીડિતાનું અને તેના પરિવારજનોનું જીવન બરબાદ થઈ જાય છે પરંતુ મોટેભાગે કાયદાકીય છ્ટકબારીઑ શોધીને આરોપી નિર્દોષ છૂટી જાય છે અથવા તો ઓછી સજા થાય છે. કેટલાક જૂજ કિસ્સાઓમાં તેને ગંભીર સજા પડે છે પરંતુ તેનો અમલ થાય ત્યાં સુધીમાં બીજા કેટલાય વર્ષો એ કાઢી નાંખે છે.

◆ હવે પછીના મારા શબ્દો ન્યાયતંત્રને નહીં ગમે એટ્લે પહેલેથી જ માફી માંગી લઉં છું. પરંતુ આપણી ન્યાયિક પ્રણાલી એટલી હદે ધીમી થઈ ગઈ છે કે વર્ષોના વર્ષો પછી મળતો ન્યાય પણ ભોગ બનનારને અન્યાય થયો હોય એવું લાગે છે. આવા ગુનાઓ ફરીથી ન બને અને ખરેખર મહિલાઓનું હિત જો તંત્ર માટે અગ્રતા હોય તો પછી આવા કિસ્સાઓમાં તો તાબડતોબ નિર્ણયો થવા જોઈએ અને આરોપીઓને આકરામાં આકરી સજાઓ થવી જોઈએ. પરંતુ આપણા કમનસીબે વર્ષના દેશમાં ઓછું અને વિદેશમાં વધુ ફરવાની પ્રકૃત્તિ ધરાવતા મોટા મોટા નેતાજીઓ ચાઈના, ઈઝરાઇલ અને અમેરિકા પાસેથી કાયદાઓના અમલીકરણ બાબતે કશું શીખ્યા નથી.

◆ અહી આપણે ત્યાં ગુનેગારોને કાયદાઓનો કોઈ ડર જ રહ્યો નથી એવું લાગી રહ્યું છે. ગૂનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે ઘટવાને બદલે વધતું જાય છે. ઘણી વખત કોઈ અધિકારીની નિમણૂંક થાય એટ્લે સાંભળવા મળે છે કે, આ અધિકારી બહુ બાહોશ છે, સિંઘમ છે… પણ ખરેખર સાચો સિંઘમ એ ચ્હે કે જેની નિમણૂંક થતાંવેંત જ ગુંડાઓ અને ગુનો કરવાની માનસિકતા વાળા ઇસમો ગામ છોડીને નાસી જાય. લૂંટ, ચોરી, મહિલા સબંધી ગુનાઓ થતાં જ બંધ થઈ જાય. પરંતુ સલામ ઠોકવા પર મજબૂર થઈ જવાય એવા અધિકારીઓ પેદા કરવા કદાચ હવે આ નપુંસક સિસ્ટમની ત્રેવડ નથી રહી. પોતાના અંગત સ્વાર્થ ખાતર રાજકીય તાકતો સામે ઝુકી જનારા અને પ્રજાહિતમાં નહીં પરંતુ રાજકીય પક્ષના હિતમાં કામ કરનારા અધિકારીઓ જ હાલમાં મોટાભાગે જોવા મળે છે.

◆ જ્યારે જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ત્યારે એવું લાગ્યા કરે છે કે આ કાગળ પરની લોકશાહી કરતાં તો રાજાશાહી કે સરમુખત્યારશાહી સારી. રાજાશાહી સમયે કોઈ ગુનો કરે અને તેને રાજાના દરબારમાં સિપાહીઓ પકડીને લાવે ત્યારે તારીખ પે તારીખ ની પધ્ધતિ ન હતી. ત્યારે તો તત્કાલ નિર્ણય થતો અને એ નિર્ણયનો તત્કાલ અમલ પણ થતો. એટ્લે જ એ સમયે ગૂનાખોરીનું પ્રમાણ ખૂબ ઓછું હતું. કાયદા વિરુદ્ધનું કામ કરતાં રીતસર ડર લાગતો હતો.

◆ ચાઇનામા ઓલમ્પિક રમતોત્સવ વખતે આતંકવાદીઓ પકડાયા તો જાહેરમાં એમને ફાંસીએ લટકાવી દીધા. એનાથી ઊલટું આપણે કસાબ જેવાને મહેમાન બનાવીને ચિકન અને બિરયાની ખવડાવ્યા. લોકશાહીની દયા તો ત્યારે આવે છે કે જ્યારે આપણાં દેશમાં ઘૂસીને આપણા લોકોને અંધાધૂંધ ગોળીઓ વરસાવીને અકાળે મૃત્યુ નિપજાવનાર આતંકવાદી પોતાની સજા માફી માટે આપણા જ મહામહીમ રાષ્ટ્રપતિશ્રીને દયાની અરજી કરે ! બળાત્કારીઓ પોતાની સજા હળવી કરાવવા દયાની અરજી કરે ! અને આપણે ત્યાં એ અરજી ઉપર વિચારણા કરવા માટે સમય બગાડવામાં આવે છે. માફ કરશો પણ આ બધુ મને ઘણું વધારે પડતું લાગે છે.

◆ નારીને નારાયણી કહેવામા આવે છે. મતલબ કે સ્ત્રી એ ઈશ્વરનું સ્વરુપ છે. આપણા પુરાણોમાં પણ એવું કહેવામા આવ્યું છે કે, “જ્યાં નારીનું પૂજન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે.” ડિસેમ્બર 2019માં હૈદરાબાદમાં 26 વર્ષની મહિલા ડોક્ટર દિશા પર ગેંગરેપ કરનાર અને પછી તેને જીવતી સળગાવી રાખનાર નરાધમોને ગણતરીની કલાકોમાં પકડી પાડીને ઘટનાના સ્થળે જ તેમનું એન્કાઊંટર કરનારા પોલીસ અધિકારીઓને અને તેમને બેક સપોર્ટ કરનારા રાજકીય આગેવાનોને હું સેલ્યુટ કરું છું. ગુજરાતમાં પણ ભૂતકાળમાં અંગત હિતો સબબ કેટલાક ફેંક એન્કાઊંટરો થયેલા છે. ત્યારે ગુજરાત સહિત દરેક રાજ્યે ગેંગરેપના આરોપીઓના એન્કાઊંટર બાબતે હૈદરાબાદ મોડેલ અપનાવવા જેવુ ખરું.

◆ સર્જીકલ સ્ટ્રાઈક ઉપર કામચલાઉ મતબેંક ઊભી કરવાને બદલે નિર્ભયાકાંડ અને હાથરસકાંડના આરોપીઓને સરાજાહેર અને પીડાદાયક મૃત્યુદંડ આપીને પ્રજાનો વિશ્વાસ જીતો મારા સાહેબ તો પક્ષની જાહેરાત કરવા ગામેગામ ફોટાવાળા બોર્ડ નહીં મારવા પડે કે મત માંગવા ઘરેઘરે ભટકવું નહીં પડે. 19 મી સદીમાં મહિલાઓના ઉત્કર્ષ માટે ઈશ્વરે રાજા રામમોહનરાય સ્વરૂપે જન્મ લીધો હતો. કોણ જાણે હવે 21 મી સદીમાં ઈશ્વર ક્યાં સ્વરૂપે અવતરશે ?

Related posts

ડો.ચિંતન વૈષ્ણવ ::હેડ ક્લાર્ક પેપર લીક મામલો : ઇંકલાબ ઝીંદાબાદ,ભાગ-1

Abhayam

વધુ એક IPOએ લોકોને કર્યા માલામાલ 

Vivek Radadiya

અત્યારે જો હું ભારત દેશનો પ્રધાનમંત્રી હોઉ તો…

Abhayam