ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલે આજે દુનિયાને અલવિદા કહી દીધી છે. છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત ખરાબ હતી અને 10 દિવસ પહેલા કેશુબાપાની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. તેમણે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં એડમીટ કરાયા હતા, પણ બે દિવસ પહેલા તેમની તબિયત સારી હતી, જેથી તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું. પણ આજે અચાનક તેમની તબિયત બગડી જતા તેમનું નિધન થયું હતું.
કેશુભાઈ પટેલના અવસાન બાદ તેમના પુત્ર ભરત પટેલે કહ્યું હતું કે, કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમનું સ્વાસ્થ્ય બગડી રહ્યું હતું. સવારે ઓક્સિજન લેવામાં તકલીફ પડી હતી અને ત્યાર બાદ હોસ્પિટલ લઇ જવાયા હતા.
કેશુબાપાને થોડા દિવસ પહેલા કોરોના પોઝિટિવ પણ આવ્યો હતો, જેને કારણે તેમને એડમીટ કરાયા હતા. તેમને ફેફસાં અને હૃદયની તકલીફ ઉભી થઈ હતી, એટલે તેમને સારવાર માટે હોસ્પિટલમાં એડમીટ કર્યા હતા.
કેશુભાઈ 1980થી 2012 સુધી જનસંઘ-ભાજપમાં હતા. છતાં તેમની અવગણના કરવામાં આવતી હતી. પક્ષના નિર્ણયોમાં તેમને કોરાણે મૂકી દેવામાં આવ્યા હતા. અપમાન સહન કરવાના બદલે તેઓ 2012માં મોદી વિરોધી ચળવળ ચલાવવા માટે મોદીથી અલગ થયા. તેમણે પક્ષ છોડ્યો હતો. પોતાની રાજકીય પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટીનું નિર્માણ કર્યું હતુ. 2012ની ચૂંટણીમાં તેમણે 200થી વધું જાહેર સભા ભરી અને તેમાં PM મોદી વિરોધી ઝુંબેશ ચલાવી હતી. જેના કારણે મોદીને નુકસાન થવાના બદલે મોટો રાજકીય ફાયદો થયો હતો. મોદી ફરી મુખ્ય પ્રધાન બન્યા હતા.
કેશુભાઈ પટેલ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનાં ચેરમેન હતા. 2012ની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં તેમણે ભાજપમાંથી રાજીનામુ આપીને નવા રાજકીય પક્ષ ગુજરાત પરિવર્તન પાર્ટીની જાહેરાત કરી હતી. જો કે વિધાનસભા ચૂંટણીમાં પરિવર્તન પાટીને માત્ર બે બેઠકો મળી હતી. ત્યારબાદ ગુજરાત પરિવર્તન પાર્ટીનું ભાજપામાં વિલીનીકરણ કરાયું હતું. તેઓ ફરી ભાજપમાં જોડાયા હતા. કેશુભાઈ પટેલ જીપીપીનાં બેનર હેઠળ સૌરાષ્ટ્રની વિસાવદ-ભેંસાણ સીટ પરથી ચુંટાઈ આવ્યાં હતાં. જો કે ત્યારબાદ ખરાબ સ્વાસ્થ્યને કારણે તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ abhayamnews.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.