જેતપુર તાલુકાના મોટી ગુંદાળા ગામની સરકારી સ્કૂલના આચાર્યએ 250થી વધુ બાળકોને તેમજ 20 જેટલા વાલીઓને પુસ્તકો વિતરણ કરી તેમને વાંચવા માટે પ્રેરીત કર્યા.
આ અભિયાનની વિગતો આપતાં આચાર્ય સંજયભાઈ (Sanjay Vekariya) કહે છે કે, કોરોનાના આ કપરા સમયમાં શાળાઓ બંધ છે, જેને કારણે વિદ્યાર્થીઓ લાયબ્રેરીમાં આવી શકતા નથી. શાળાઓ બંધ હોવા છતાં પણ શિક્ષણકાર્ય બંધ નથી. હાલના સમયમાં ઓનલાઈન એજ્યુકેશનની સાથે મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે બાળકો વાંચનની ટેવ (Reading habit) ન ભૂલી જાય, સાથો સાથ કોરોનાની આ વિકટ પરિસ્થિતિમાં બાળકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે શાળાની સહ અભ્યાસ પ્રવૃતિ અન્વયે વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરી તેમને ટેકસ બુક બહારનું શિક્ષણ મળે તે માટે તેમને પુસ્તક વાંચન તરફ વાળવા મે ઘરે ઘરે જઈને વિદ્યાર્થીઓને પુસ્તક આપવાનું શરૂ કર્યું.
કોરોનાની વૈશ્વિક મહામારી (corona pandemic)ના કારણે છેલ્લા દોઢ વર્ષ કરતાં પણ વધુ સમયથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. બાળકો-વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ (Online education) કરી રહ્યાં છે. તેવા સમયમાં શાળામાં અભ્યાસ કરતાં ધોરણ-1થી 8ના બાળકો ઓનલાઈન શિક્ષણની સાથે મોબાઈલ (Mobile)નો વધુ પડતો ઉપયોગ કરી રહ્યાં છે. આવા બાળકો વાંચનની ટેવ ભૂલી ન જાય તે માટે જેતપુર તાલુકાના મોટી ગુંદાળા ગામની સરકારી શાળા (Gundala village government school)ના આચાર્ય સંજય વેકરીયા (Sanjay Vekariya)એ એક અભિનવ અભિયાન હાથ ધર્યું છે.
નોંધનીય છે કે, શાળાના આચાર્ય દ્વારા અત્યાર સુધીમાં 250થી વધુ બાળકોને તેમજ 20 જેટલા વાલીઓને પુસ્તકો વિતરણ કરી તેમને વાંચવા માટે પ્રેરીત કર્યા છે. કોરોના કારણે બાળકોની મનોસ્થિતિ પર ગંભીર અસરો પડી છે. લાંબુ લોકડાઉન રહેતા બાળકો ઘરની બહાર નીકળી ન શકવાના કારણે અને સ્કૂલ બંધ હોવાથી આવા બાળકોમાં એકલતાની સાથે તેમના મૂડમા બદલાવ જોવા મળ્યો છે.
આ માટે શાળાની લાયબ્રેરીમાં રહેલા 3,000 જેટલા પુસ્તકો બાળકો વચ્ચે ખુલ્લા મુક્યા છે. ડોર ટુ ડોર જઈને બાળકોને તેમને ગમતા પુસ્તકો આપ્યા. એટલું જ નહી પરંતુ બાળકને પુસ્તક વાંચન બાદ તેમાં તેને શું ગમ્યુ? પુસ્તકના વાંચનથી શું શીખ મળી? જેવી બાબતોનો મોબાઈલમાં વીડિયો બનાવી મોકલવા પણ જણાવ્યું. શાળાના આચાર્યએ શરૂ કરેલા આ વાંચન અભિયાનનો બાળકોની સાથે તેમના વાલીઓ તરફથી પણ સારો પ્રતિસાદ મળ્ય છે. વિદ્યાર્થીઓ પોતે જે પુસ્તક વાંચ્યું હોય એનો ટૂંક સારનો વિડીયો બનાવી આચાર્યશ્રીએ શરૂ કરેલા શાળાના વોટ્સએપ ગ્રૂપમાં મોકલતા થયા છે.
ધોરણ-7 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મનસ્વી અગ્રાવત કહે છે કે, કોરોનાના કારણે જ્યારે અમારી શાળા બંધ હતી ત્યારે અમારી શાળાના આચાર્યએ અમારું શિક્ષણ કાર્ય અટકે નહીં તે માટે અમને પુસ્તકો વાંચવા માટે આપે છે. મને ગણિત વધુ ગમે છે એટલે સાહેબે મને ગાણિતિક કોયડાને લગતુ ‘‘ક્વીઝ ટાઈમ-૩’’ નામનું પુસ્તક વાંચવા માટે આપ્યું હતુ. આ પુસ્તક વાંચ્યા બાદ મને ગણિતના અઘરા લાગતા દાખલાઓ હવે સમજાવા લાગ્યા છે. આ જ શાળામાં અભ્યાસ કરતો જેનીલ બાંભરોલીયા કહે છે કે, મને આચાર્ય સાહેબે ‘‘રાષ્ટ્રના તેજોવંત ઘડવૈયા’’ પુસ્તક મને વાંચવા આપ્યું હતુ. આ પુસ્તકમાં દેશના મહાન વ્યક્તિઓ જેવા કે, રાણી લક્ષ્મીબાઈ, સરદાર પટેલ, ચંદ્રશેખર આઝાદ અને વિર ભગતસિંહ જેવા મહાપુરૂષોનું જીવન ચરિત્ર લખાયેલું હતુ. જે વાંચીને મને આ મહાપુરૂષોના જીવન વિશે વધુ સારૂ જાણવા મળ્યું છે.
અન્ય એક વિદ્યાર્થીની ચેત્વી કાકડીયાએ ‘‘ગાંધીજીની વાતો’’ પુસ્તકનું વાંચન કર્યું હતુ તેના પ્રસંગો વર્ણાવતા ચેત્વી કહે છે કે, આ પુસ્તકમાં મહાત્મા ગાંધીજી શાળામાં ભણતા હતા તે સમયની અનેક વાતો હતી, જે મે વાંચી ત્યારે ખબર પડી કે ગાંધીજી પહેલા અંધારાથી ડરતા હતા પરંતુ તેમના જીવનમાં બનેલા એક જ બનાવના કારણે તેમનામાં અંધારાનો ડર દૂર થઈ ગયો હતો. આ પુસ્તકના વાંચનથી મને મહાત્મા ગાંધીજીના જીવન વિશે ઘણુ બધુ જાણવા મળ્યું છે.
કોરોનાના આ કપરા સમયમાં સૌથી વધુ નકારાત્મક અસર વિદ્યાર્થીઓ પર પડી છે. મહત્તવની વાત છે કે બાળક ઘરની અંદર જકડાઈ ગયું છે, તેને ભણવાનું હોય કે રમવાનું હોય, એ બધુ જ આજના સમયમાં મોબાઈલ ઉપર જ શક્ય બન્યું હોવાથી બાળકને ટચ સ્ક્રીનની આ દુનિયામાંથી બહાર કાઢવા મોટી ગુંદાળા ગામની સરકારી શાળાના આચાર્ય સંજય વેકરીયાએ હાથ ધરેલો આ નવતર પ્રયોગ ગામના વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓને પણ પુસ્તક વાંચન તરફ પ્રેરી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…