ગુજરાતમાં બેકાબૂ બનેલા કોરોનાને કારણે ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, જ્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે ઓલ ગુજરાત વાલી મંડળે ગુજરાત હાઇકોર્ટમાં ધો.10ની પરીક્ષા મોકૂફ રાખી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તેવી પિટિશન દાખલ કરી છે. સાથે જ પિટિશનમાં અન્ય રાજ્યોમાં પણ બોર્ડ પરીક્ષા કેન્સલ થઇ હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ પહેલા વાલી મંડળે રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો, પરંતુ તેમાં કોઈ નિર્ણય ન લેવાતા આખરે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી છે.
બોર્ડની પરીક્ષા રદ કરવા વાલી મંડળની માગણી
આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં વાલી મંડળના પ્રેસિડેન્ટ નરેશ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ધોરણ 10ના 12ના અંદાજે 13 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ભારતમાં કેટલાય રાજ્યોએ પરીક્ષા સસ્પેન્ડ અથવા તો મોકૂફ રાખી છે. આ સ્થિતિને જોઈ રાજ્યભરમાંથી વાલીઓએ અમારો સંપર્ક કર્યો અને પરીક્ષા રદ થાય તે માટેની ચર્ચા થઇ છે. રાજ્ય સરકારે આ મુદ્દે કોઈ નિર્ણય ન લેતા હવે અમારે ગુજરાત હાઇકોર્ટના શરણે થવું પડ્યું છે. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટિશનમાં રજૂઆત કરવામાં આવી છે કે દેશના 7 રાજ્યોએ ધોરણ 10 ની પરીક્ષા રદ કરી છે. જેમાં હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ, નવી દિલ્હી, તામિલનાડુ, જમ્મુ અને કાશ્મીર અને, મહારાષ્ટ્ર જેવા રાજ્યો છે.
પરીક્ષા યોજાય તો વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને કોરોના થવાનો ભય
આ ઉપરાંત CBSC અને ICSC એ પણ કોરોનાની પરિસ્થિતિને જોતા પરીક્ષા રદ કરી છે. ગુજરાતમાં કોરોનાને નાથવા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમ છતાં કેસ ઘણા વધી રહ્યા છે. પિટિશનરે અરજીમાં રજૂઆત કરી છે કે, જો ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા યોજાશે તો પરીક્ષાના દિવસે માત્ર વિદ્યાર્થીઓ જ નહિ પણ શિક્ષકો, વાલીઓ પણ શાળાએ આવશે અને શાળાઓ અને તેની આસપાસ ભીડ ભેગી થશે. એટલે હિતાવહ છે કે ધોરણ 10 ની પરીક્ષાને રદ કરવામાં આવે. CBSC દ્વારા વિદ્યાર્થીઓના પાછલા પરફોર્મન્સના આધારે પરિણામ જાહેર કરવામાં આવશે તેઓ નિર્ણય લેવામાં આવ્યો છે.
પરીક્ષા લેવા અંગે શિક્ષણ વિભાગ અને સરકાર અસમંજસમાં
ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવા અંગે હજુ શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર મૂંઝવણમાં હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાના કેસ વધતાં CBSE બોર્ડ અને અન્ય રાજ્યોમાં ધોરણ 10માં માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતમાં બોર્ડ દ્વારા હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ઉપરાંત વાલીમંડળ દ્વારા પણ પરીક્ષા રદ કરવા માટે મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગને પત્ર લખવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી પરીક્ષા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
63 comments
Comments are closed.