ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને ધ્યાને લઈને ઘણા બધા એકમોએ પોતાની કાર્ય પ્રણાલીમાં ફેરફાર કર્યા છે. ક્યાંક અડધા સ્ટાફ સાથે કામ થઈ રહ્યું છે તો કોઈ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યું છે. હવે બેન્કિગ કામકાજના સમયમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તા.21 એપ્રિલથી 30 એપ્રિલ સુધી બેંક સવારના 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસના કેસને ધ્યાને રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.
મહાગુજરાત બેંક એમ્પલોઈઝ એસો.ને મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખીતમાં આ અંગે રજૂઆત કરી હતી. તેમણે આ વિષય પર જણાવ્યું હતું કે, બેંકનું જરૂરી કામકાજ ચાલું રાખવામાં આવે. બેંકમાંથી રોકડ લેવાનો સમય સવારે 10થી 1નો રાખવામાં આવે તો જરૂરીયાત વાળા લોકોને આર્થિક ટેકો મળી રહે. એસો.ને મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખીતમાં જણાવ્યું હતું કે, આવનારા બે મહિના સુધી બેંકમાં દર શનિવાર અને રવિવારે રજા રાખવામાં આવે. આ ઉપરાંત બેંકના કામકાજમાં ઘટાડેલા સ્ટાફનો પણ ઉલ્લેખ કરાયો હતો. જ્યારે કેટલીક ખાનગી બેંકમાં ઓલ્ટરનેટ ડેના દિવસે મર્યાદિત સ્ટાફ બોલાવવામાં આવે છે. તા. 20 એપ્રિલના રોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવ્યા હતા. 12000થી વધારે નવા કેસ સામે આવતા ચિંતાનો માહોલ વધી ગયો છે. જ્યારે મહાનગર રાજકોટમાં એક દિવસના નવા 850 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. જ્યારે કુલ 66 લોકોના મોત નીપજ્યા છે. એક તરફ ગ્રામ્ય વિસ્તારમાં સ્વૈચ્છિક લોકાડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જુદા જુદા સંગઠનો તરફથી એનો ચુસ્ત પણ અમલ થઈ રહ્યો છે.
એવામાં આર્થિક સર્વિસને મોટી અસર ન થાય અને રોકડની કોઈ મુશ્કેલી ન પડે એટલા માટે બેંક તરફથી મર્યાદિત સમયમાં ઓછા સ્ટાફ સાથે આર્થિક પ્રવૃતિઓ યથાવત રાખવા માટે પહેલ કરવામાં આવી છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં જ્યાં સૌથી વધારે કોરોના વાયરસના કેસ છે ત્યાં પણ બેંક સર્વિસને કંઈ અસર ન થાય એ ધ્યાને રાખીને ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. ત્યાં પણ મર્યાદિત સ્ટાફ અને ચોક્કસ સમય પૂરતી જ બેંક ખુલ્લી રહે છે. ટૂંકમાં બપોરના સમયે અને બપોર પછી બેંક બંધ રહેતા બેંક સર્વિસ બંધ રહેશે. બીજી તરફ બેંક પણ ગ્રાહકોને ઓનલાઈન સર્વિસનો ઉપયોગ કરવા માટે અપીલ કરી રહી છે.