ગુજરાતના 25,000 હજાર સહિત દેશના 9 લાખ બેન્ક કર્મચારીઓ,અધિકારીઓ તા. 16, 17 બે દિવસ હડતાળ પર જશે. : કેન્દ્ર સામે ‘બેન્ક બચાવો,દેશ બચાવો’ નારા સાથે મોરચો : ઉદ્યોગગૃહોની આળપંપાળ હજુ જારી, ત્રણ માસમાં વધુ 3 હજાર કરોડનું દેવું માફ ! : હજારોની મેદનીમાં મુકપ્રેક્ષક પોલીસની મનમાની, બેન્ક કર્મીઓને ધરણાં માટે મંજૂરીનો ઈન્કાર!
હડતાળની આજે પૂર્વ સંધ્યાએ રાજકોટમાં બેન્ક કર્મચારીઓએ બેન્ક પાસે ઉભા રહીને ‘બેન્ક બચાવો, દેશ બચાવો’ના બેનર્સથી સરકારને જગાડવાના પ્રયાસો સાથે રોષપૂર્ણ દેખાવો, વિરોધ પ્રદર્શન કર્યું હતું. ધરણાં યોજવા માટે પોલીસની મંજુરી માંગવામાં આવી હતી,
400ની મર્યાદામાં કાર્યક્રમની જાહેર છૂટ પણ અપાયેલી છે અને ભાજપના કાર્યક્રમોમાં હજારો માણસોની ભીડ થાય છે તે સંજોગોમાં પોલીસે આશ્ચર્યજનક રીતે કોરોનાનું કારણ આપીને આ મંજુરી નહીં આપતા બેન્ક વર્તુળોમાં પોલીસ પ્રતિ નારાજગી જન્મી હતી.
કર્મચારીઓએ જણાવ્યું કે રાજકીય સંગઠનોને કોરોના નથી નડતો અને નાગરિકોને પોલીસ આવા કારણ દર્શાવે તે તદ્દન અનુચિત છે.યુનિયનના મહામંત્રી કે.પી.અંતાણીએ જણાવ્યાું કે આજે વિવિધ બેન્કોએ પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન બાદ આવતીકાલે સવારે 10-30 વાગ્યે કર્મચારીઓ ભેગા થશે અને લોકોના હિતમાં હડતાળ પાડશે.
વર્તમાન કેન્દ્ર સરકારે બેન્કોનું ખાનગીકરણ કરવા કાયદામાં સુધારા કરવા આગળ વધી રહી છે જે પગલુ સરકારી બેન્કો અને દેશવાસીઓના હિતમાં નહીં લેવા સરકાર સાથે યોજાયેલી મીટીંગ નિષ્ફળ રહેતા અને સરકારે આવું નહીં કરવા કોઈ ખાત્રી નહીં આપતા આવતીકાલથી ગુજરાતના 25,000 હજાર સહિત દેશના 9 લાખ બેન્ક કર્મચારીઓ,અધિકારીઓ તા. 16, 17 બે દિવસ હડતાળ પર જશે.
બેન્કોમાં દેશવાસીઓની મરણમુડી સમાન રૂ।. 156 લાખ કરોડની જંગી રકમ થાપણ તરીકે પડેલી છે. ખાનગીકરણથી આ રકમમાંથી વિદ્યાર્થીઓ, નાના ધંધાર્થીઓ વગેરેને લોન મળવી મૂશ્કેલ બનશે.
આ ઉપરાંત દેશની તમામ બેન્કોમાં ગરીબોના 40 લાખ જનધન ખાતા છે તેમાં 98 ટકા ખાતાઓ રાષ્ટ્રીયકૃત બેન્કોમાં છે, ખાનગી બેન્કો ઝીરો બેલેન્સથી ખાતા ખોલતી નથી તેથી ગરીબોને પણ બેન્ક સેવામાં મૂશ્કેલી પડવાના એંધાણ છે.
ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયને જણાવ્યા મૂજબ કેન્દ્રમાં વર્તમાન સરકારે ગત સાત વર્ષમાં રૂ।. 12.48 કરોડ સહિત ઈ.સ. 2008-09 થી ઈ.સ.2020-21 સુધીના 13 વર્ષમાં 14.42 લાખ કરોડનું લેણું (બેડ લોન) માંડવાળ કર્યું છે જે મુખ્યત્વે ઉદ્યોગગૃહોનું છે.
આવા ઉદ્યોગગૃહોને બેન્કોનું સંચાલન સોંપવા સરકાર ઈચ્છે છે તેનો અમે વિરોધ કરીએ છીએ અને આ રકમ માંડવાળ કરવાને બદલે વસુલાત કરવાની માંગણી અનેકવાર કરી ચૂક્યા છીએ પણ તેમાં ધ્યાન દેવાયું નથી.
લોન માંડવાળી હજુ પણ જારી છે અને ગત ત્રણ માસમાં સરકારી બેન્કોએ રૂ।. 50,000 કરોડનો નફો કર્યો તેમાંથી રૂ।. 33,000 કરોડ જેવી મોટી રકમ ડુબત લેણાની જોગવાઈમાં કરેલ છે. આમ, બેન્કનો નફો ડુબત લેણામાં જ ધોવાય જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…