રાજકીય પાર્ટીમાં જોડાશે કે ભજવશે કિંગમેકરની ભૂમિકા…..
પાટીદાર અનામત આંદોલનને લઈને પાટીદાર સમાજના જે યુવાનો આંદોલનકારી તરીકે સામે આવ્યા હતાં. તેમાંથી મહદંશે પોતાનું રાજકીય ભવિષ્ય સેટ કરવામાં રાજકીય પક્ષમાં જોડાયા છે, અથવા તો કેટલાક પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલીયા, નિખિલ સવાણી જેવા યુવા ચહેરો પોતપોતાની રીતે રાજકીય પાર્ટીનો ખેસ પહેરીને રાજનીતિ કરતાં નજરે પડી રહ્યાં છે. ત્યારે સુરતના ધાર્મિક માલવિયા રાજકીય પક્ષમાં જોડાઈને પરત ફર્યા છે. હવે પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય ચહેરા અલ્પેશ કથેરિયા કયા પક્ષમાં પોતાનું રાજકીય ભવિષ્ય શોધે છે, તેના પર સૌની નજર છે. રાજકારણમાં કોઈ કાયમી મિત્રો કે શત્રુ હોતા નથી ત્યારે અલ્પેશ ભાજપ,કોંગ્રેસ કે આપ કઈ તરફ વળે છે તેના રાજકીય ગણિત અત્યારથી જ મંડાવા લાગ્યા છે.
અલ્પેશ કથિરીયા હાર્દિક પટેલની માફક કોંગ્રેસમાં પ્રવેશી શકે છે. પરંતુ કોંગ્રેસની ગુજરાતભરમાં નબળી સ્થિતિને જોતા પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆતમાં જ નિષ્ફળ જવાનું કદાચ અલ્પેશ કથિરીયાને મુનાસિબ નહિ લાગે. બીજી તરફ ધાર્મિક માલવિયા કોંગ્રેસમાં કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવવાની શરૂઆત જ કરી હતી અને કોંગ્રેસે વિશ્વાસઘાત કર્યો હોવાની વાત કરતાં તેમણે પણ કોંગ્રેસને છોડી દીધી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાર્દિક પટેલ સાથે જે પ્રકારે આંતરિક રાજનીતિ કરી રહ્યા છે. તે જોતા હાર્દિક પટેલે ખૂબ સહન કરવાનો આવી રહ્યું છે. કોંગ્રેસના પીઢ નેતાઓ નથી ઈચ્છી રહ્યા કે, હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખ જેવું પદ મળે. કોંગ્રેસના જ નેતાઓ હાર્દિક પટેલનું રાજકીય બાળમરણ કરવાની તૈયારી કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. તેવી સ્થિતિમાં અલ્પેશ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા ખૂબ ઓછી છે.
અલ્પેશ કથિરિયા સહિતના પાસના નેતાઓએ જ્યારે આંદોલન શરૂ કર્યું હતું. ત્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી. એ જ ભારતીય જનતા પાર્ટીની સામે બાથ ભીડીને પાટીદાર યુવા નેતાઓએ પોતાની આંદોલનની શરૂઆત કરી હતી. પાસ દ્વારા ભાજપની સામે ધારદાર નિવેદનો કરાયા છે. નરેન્દ્ર મોદી બાદ ભાજપના સૌથી મોટા નેતા અમિત શાહને લઈને કરેલા નિવેદનોને કારણે હવે તે ભાજપમાં જશે. એવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. અમિત શાહને ‘જનરલ ડાયર’ તરીકે સંબોધવામાં આવતા હતાં. જાહેર મંચ ઉપરથી ભાજપને હત્યારી પાર્ટી તરીકે પણ સંબોધવામાં આવી હતી. જે પાર્ટીની સામે આંદોલન કરીને સમાજના મોટા ચહેરા તરીકે પ્રસ્થાપિત થયા છે. તે જ પાર્ટીમાં જવું એ અલ્પેશ કથિરીયા માટે સહેલું નહીં રહે. પરંતુ રાજકારણમાં કંઈ પણ થવું શક્ય છે.
અલ્પેશ કથિરીયા માટે વધુ એક વિકલ્પ આમ આદમી પાર્ટી છે. અલ્પેશ અત્યારે જે પ્રકારના નિવેદનો કરી રહ્યા છે, અને પાટીદારો જે રીતે આમ આદમી પાર્ટી તરફનો ઝોક દાખવી રહ્યા છે. તે જોતા અલ્પેશ કથેરિયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. પરંતુ આમ આદમી પાર્ટીમાં તેનું સ્થાન શઉં હશે તે મોટો પ્રશ્ન છે. અલ્પેશ કથિરીયાની સમકક્ષના નેતા ગોપાલ ઇટાલીયા પ્રદેશ આપમાં પ્રદેશ પ્રમુખ છે. પાટીદારના મોટા ચહેરા તરીકે મહેશ સવાણી આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી ચૂક્યા છે. નિખિલ સવાણી પણ આમ આદમી પાર્ટીમાં છે.
અલ્પેશ કથિરીયા પોતાનું રાજકારણ રાજકીય પાર્ટીમાં જઈને સુરતથી શરૂ કરવા ઈચ્છતા હોય તો વિધાનસભાના ઇલેક્શનમાં માત્ર તેની પાસે બે બેઠકો ઉપર વિકલ્પ છે. પાટીદાર મતદારો સૌથી વધુ અસર વરાછા અને કામરેજ બેઠકો ઉપર જોવા મળે છે. તો હાલ આ બંને બેઠકો પૈકી કોઈ પણ બેઠક પર લાભ અપાવી શકે છે. અલ્પેશ કથિરીયાને મેદાનમાં ઉતારવા એ એક મોટો પડકાર આપ પાર્ટી માટે પણ છે. કારણ કે, તેમની પાસે અનેક વિકલ્પો અત્યારથી જ દેખાઈ રહ્યા છે.અલ્પેશ કથિરીયાને પ્રવેશ સાથે જ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉતારવામાં આવે તો આમ આદમી પાર્ટીમાં પણ અંદરો અંદર ડખ્ખા ઉભા થઇ શકે છે.
છતાં પણ ભાજપ અને કોંગ્રેસ કરતાં હાલ આમ આદમી પાર્ટી અલ્પેશ કથિરીયાની રાજકીય સફર શરૂ કરવા પસંદગી થવાની શક્યતા હોય શકે.
પાટીદાર સમાજને લઈને એક યુવા નેતૃત્વ તરીકે પોતાને પ્રસ્થાપિત કરવા માટે હજી પણ તેની પાસે ઘણો સમય છે. જો રાજકીય કારકિર્દી ન શરૂ કરે તો સમાજના એક મોટા કદાવર નેતા તરીકે પોતે ભૂમિકા ભજવી શકે છે. પાસ આંદોલન સમિતિના હજી પણ અનેક મુદ્દાઓ ઉકેલાયા નથી. તેને પણ આગળ ધપાવી શકે છે. યુવાનોની સામે જે કેસો લગાડવામાં આવ્યા છે. તેને લઈને લડત ચાલુ રાખી શકે છે.
પાટીદાર સમાજના યુવાનોને એકત્રિત કરવા માટે પાસના માધ્યમથી મોટું કદ વિસ્તારી શકે છે. ચર્ચામાં જે તે સમયે રહેલા પાટીદાર યુવા ચહેરાઓ રાજકીય પાર્ટીઓમાં પ્રવેશી ગયા છે. ત્યારે અલ્પેશ કથિરીયા એકમાત્ર પાટીદાર સમાજના યુવા આગેવાન તરીકે મજબૂત રીતે સમાજમાં સ્થાન જમાવી શકે છે.
જે રીતે સુરતમાં કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ દ્વારા ધાર્મિક માલવિયાને અંતિમ ઘડીએ ટિકિટ બાબતે જે મુશ્કેલી ઊભી કરી તેના પરીણામ સ્વરૂપે કોંગ્રેસની એક પણ બેઠક સુરતમાં આવી શકી નહીં. એમાં પાસ આંદોલન સમિતિની ભૂમિકા મોટી છે. એ જ રીતે પડદા પાછળ રહીને રાજકીય પાર્ટીઓને પાટીદાર વિસ્તારમાં મદદરૂપ થઈ શકે છે.
જ્યાં પાટીદારોની સંખ્યા મતદાર તરીકે વધારે છે, ત્યાં અલ્પેશ કથેરિયા પોતાના પાસની ટીમ દ્વારા જે તે રાજકીય પાર્ટીને મદદ પહોંચાડીને બેથી ત્રણ બેઠકો ઉપર વિજય અપાવી શકે છે. પાસ સુરતમાં જો બે થી ત્રણ બેઠકો ઉપર વિજય અપાવવા માટે જે વાતાવરણ ઉભું કરે તો તેની સીધી અસર સૌરાષ્ટ્ર તરફ પાટીદાર મતદારોમાં પણ અસર ઊભી કરી શકે છે. જેનો લાભ પાસ જે રાજકીય પાર્ટી ને પડદા પાછળથી મદદરૂપ થાય તેને કેટલીક બેઠકો પર રાજકીય અસર કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…