આ અમદાવાદી યુવક છે રિવરફ્રંટનો સુપરહીરો અમદાવાદના રિવરફ્રંટ પર એક સાથે 15-20 જણાનું ટોળું જામેલું છે. વચ્ચે એક ભાઈ ઉભા છે, તેમના ચહેરા પર ટેન્શન છે, અને બાકીના બધાના ચહેરા પર ઈંતેજારી છે. વાત એમ છે કે ગઈકાલે રાત્રે બોટિંગ કરવા દરમિયાન આ ભાઈનો મોબાઈલ નદીમાં પડી ગયો હતો, એટલે તેમને તો એમ કે મોબાઈલ હવે ગયો. પણ તેમને એક એવા વ્યક્તિનો ફોન નંબર મળ્યો, જે નદીમાં પડેલો મોબાઈલ પાછો લાવી શકે છે. એટલે જ ટોળાના ચહેરા પર ઈંતેજારી દેખાઈ રહી છે. એટલી જ વારમાં એક યુવક પાણીમાંથી બહાર આવે છે, અને હાથ ઉંચો કરીને મોબાઈલ બતાવે છે, આખું ટોળું ચિચીયારીઓ પાડીને યુવાનને વધાવી લે છે.
આ અમદાવાદી યુવક છે રિવરફ્રંટનો સુપરહીરો
આ યુવાન છે આકાશ દંતાણી. અમદાવાદીઓ અને રિવરફ્રંટની મુલાકાતે આવતા લોકોનો અસલી સુપરહીરો. અમદાવાદી હોય કે બહારગામથી આવતા પ્રવાસીઓ રિવરફ્રંટ બધાનું ફેવરિટ છે. રોજેરોજ હજારો લોકો રિવરફ્રંટની મુલાકાત લેતા હશે, અને બોટિંગ, ક્રૂઝમાં લંચ ડિનર, કાયકિંગ જેવી એક્ટવિટી કરતા હશે. જો આ કોઈ પણ એક્ટિવિટી દરમિયાન તમારી સોનાની વીંટી, ચશ્મા, મોબાઈલ જેવી કોઈ પણ કિમતી વસ્તુ પાણીમાં પડી જાય તો આકાશ આવશે અને તમારી વસ્તુ એક ડૂબકીમાં શોધી આપશે.
રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે આકાશ
જેની વસ્તુ પાણીમાં પડી જાય અને આકાશ શોધી આપે તેના માટે તો તે દેવદૂત છે. પણ આકાશ કરે છે શું. આકાશ એક સામાન્ય રિક્ષા ડ્રાઈવર છે. પણ, જ્યારે કોઈ તેને ફોન કરીને બોલાવે તો તે પોતાનું કામ છોડીને, આવક જતી કરીને પણ રિવરફ્રંટ પર આવીને વસ્તુ શોધી આપે છે. જો કે, આકાશ ક્યારેય કોઈની પાસે સામેથી પૈસાની ડિમાન્ડ કરતા નથી, પરંતુ જેની વસ્તુ મળી જાય તેવા મુલાકાતીઓ તેમને ખુશી ભેટ આપે તો તે સ્વીકારી લે છે.
અનસોલ્વ્ડ કેસ પણ આકાશની મદદથી સોલ્વ થયા
અહીં રસપ્રદ વાત એ છે કે સાબરમતી નદી પર રિવરફ્રંટ બન્યા બાદ વસ્તુઓ પડી જવાના કિસ્સા વધ્યા છે. એટલે આકાશ સતત કોઈને કોઈની મદદ કરતા રહેતા હોય છે. આકાશના કહેવા પ્રમાણે તેઓ છેલ્લા 10 વર્ષથી નિયમિત આ રીતે મદદ કરે છે. એટલે સુધી કે તેમણે લોકલ પોલીસ અને સીબીઆઈને નદીના પેટાળમાં પડેલા એવા પુરાવા શોધી આપ્યા છે, જેને લીધે અઘરામાં અઘરા કેસ સોલ્વ થયા છે. આ માટે સીબીઆઈ ગાંધીનગર બોલાવીને સર્ટિફિકેટ આપી આકાશનું સન્માન પણ કરી ચૂકી છે. જો કે, આ તો કાંઈ નથી. આકાશ સાબરમતી નદીમાં આત્મહત્યા કરવા કૂદેલા કે પછી નદીમાં પડી ગયેલા 150થી વધુ લોકોને બચાવી પણ ચૂક્યા છે
બાળપણનો શોખ, સેવામાં પલટાયો
આકાશને પાણી સાથે લગાવ છે, રિવરફ્રંટના બદલે જ્યારે સાબરમતી નદીનો પટ હતો, ત્યારે આકાશ પરિવાર સાથે અહીં જ રહેતા હતા. રિવરફ્રંટ બનતા તેમણે નવું રહેઠાણ શોધવું પડ્યું, અને હાલ તેઓ રાયખડ ખાતે ફૂટપાથ પર વસવાટ કરે છે. આકાશને પાણીનો ડર નથી. તેમનું બાળપણ નદીના કોતરોમાં ધૂબાકા મરતા વીત્યું છે, અને આ જ ટેલેન્ટનો ઉપયોગ હવે તેઓ લોકોને મદદ કરવા માટે કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે