ગુજરાતનો સુપ્રસિદ્ધ વૌઠા લોકમેળાનો આજથી થયો પ્રારંભ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સપ્ત નદીના સંગમ તટ એવા વૌઠા ગામે પ્રતિ વર્ષે કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી અતિ પ્રસિદ્ધ એવો લોકમેળો યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સપ્તનદી સંગમ સ્થળે સ્નાન કરવા તેમજ ચકલેશ્વર મહાદેવ અને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી પાવન થવા આવતા હોય છે. સમય સાથે મેળાનું સ્વરૂપ ધીમે ધીમે બદલાયું છે.
ગુજરાતના આ સુપ્રસિદ્ધ વૌઠા લોક મેળાનો આજે તા.23 નવેમ્બરથી પ્રારંભ થઇ રહ્યો છે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણએ કહ્યું હતું કે, લોકમેળાનું આપણા સમાજજીવનમાં અનેરું મહત્ત્વ રહેલું છે. ગુજરાતમાં 1600થી પણ વધુ નાના મોટા મેળાઓ થાય છે જેમાં સૌથી મોટો અને સુપ્રસિદ્ધ વૌઠાનો લોકમેળો છે. આ મેળાનો સાંસ્કૃતિક વારસો પણ ખૂબ જૂનો છે. વધુમાં પહેલાના સમયમાં આવા મેળાનું આયોજન પંચાયત કરતી હતી. મેળામાં લાખોની સંખ્યામાં લોકો આવતા. અનેક લોકો ધંધા રોજગાર માટે પણ આવતા હતા.
ગુજરાતનો સુપ્રસિદ્ધ વૌઠા લોકમેળાનો આજથી થયો પ્રારંભ
વૌઠાનો લોકમેળા વિશે વાત કરતાં મંત્રીએ ઉમેર્યું હતું કે, પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો આવશે. ધંધા રોજગાર માટે ઠેર ઠેરથી લોકો અહીં આવે છે. તેમણે કહ્યું કે, અહીં પશુમેળો પણ યોજાય છે. વૌઠાના મેળા સાથે મારા વ્યક્તિગત સંસ્મરણો જોડાયેલા છે એવું તેમણે ઉમેર્યું હતું. વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાડા નવ વર્ષની ફલશ્રુતિ સ્વરૂપે દેશનું અર્થતંત્ર આજે 5મા નંબરે આવ્યું છે.
તા.23 નવેમ્બરથી તા.27 નવેમ્બર સુધી યોજાશે લોક મેળો
વધુમાં ભૂપેન્દ્રસિંહે જણાવ્યું કે, આજે વોકલ ફોર લોકલ થકી નાના નાના ધંધા રોજગારોને વેગ મળ્યો છે. આ પ્રસંગે ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વૌઠા ગામ એ સપ્ત નદીઓનું સંગમસ્થાન છે. અહીં લોકમેળા દરમિયાન સ્નાનનું આગવું મહત્ત્વ હોય છે. તેમણે કહ્યું કે, આ લોકમેળામાં બાળકોથી લઈને વડીલો સુધી તમામ લોકો આવીને આનંદ માણી શકે તે પ્રકારે વહીવટીતંત્ર દ્વારા તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વૌઠાના પ્રસિદ્ધ આ લોકમેળામાં લાખો લોકો આવતા હોય છે ત્યારે શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તે પ્રકારનું આયોજન કરાયું છે.
કેમ પ્રખ્યાત છે વૌઠાનો મેળો?
ગુજરાતના કચ્છ-કાઠીયાવાડના વિવિધ ગામો અને રાજસ્થાનથી લોકો આ મેળામાં ભાગ લેવા આવે છે. અને આ મેળામાં પશુઓની લે-વેચ કરવામાં આવે છે. એક સમયે વૌઠાના મેળામાં પાંચ હજારથી છ હજાર ગધેડાઓના સોદા કરવામાં આવતા તો એક યુગમાં કિંમતી ગણાતાં ઊંટોની લે વેચ પણ આ મેળામાં કરવામાં આવતી. જોકે આ મેળામાં માત્ર ગધેડાનું ખરીદ-વેચાણ નહીં, પરંતુ ઘોડા, ઊંટ, ઘેટા-બકરા જેવા ઘણાં પ્રાણીઓના વેચાણ માટે લોકો અહીં આવે છે. જોકે આ ગદર્ભમેળામાં ખરગધા અને ખચ્ચરગધા તરીકે ઓળખાતી ગધેડાની જાતો સૌથી વધારે કિંમતે વેચાય છે. ભાતીગળ એવા વૌઠાના મેળામાં ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થાય છે જે નિહાળવા વિદેશીઓ પણ આવે છે.
ઊંટ, ઘોડાનો વેપાર થાય છે
વૌઠાના મેળાની વિશેષતા એ છે કે, આ મેળો કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સતત પાંચ દિવસ સુધી સળંગ રાત-દિવસ ચાલુ રહે છે. જેમાં વિવિધ પ્રકારના મનોરંજન સ્ટોલો, ખાણી પીણીના બજાર, ખાદી ગ્રામોદ્યોગ જેવી સંસ્થાઓ, હસ્તકલા કારીગરીની વસ્તુઓનો વેપાર, સામાન્ય ચીજ – વસ્તુઓના સ્ટોલ પણ હોય છે. મેળાના વિશેષ આકર્ષણમાં પશુધનનો પણ વેપાર અહીં થાય છે. જેમાં ખાસ કરીને ગધેડા, ઊંટ, ઘોડાનો વેપાર થાય છે.
આ છે વૌઠાના મેળાનું પૌરાણિક મહત્વ
ગુજરાતના સૌથી મોટા અને સતત પાંચ દિવસ ચાલનારા સુપ્રસિદ્ધ એવા વૌઠા મેળો શુક્રવારથી એટલે કે આવતીકાલથી શરૂ થશે. અગિયારશથી શરૂ થતો આ મેળો સાબરમતી, હાથમતી, મેશ્વો, ખારી, વાત્રક, શેઢી અને માઝુમ એમ સાત નદીના સપ્તનદી સંગમ સ્થાન ઉપર ભરાય છે. તેનું પૌરાણિક મહત્વ પણ છે. માનવામાં આવે છે કે આ સ્થાન ઉપર સ્નાન કરવાથી ગંગામાં સ્નાન કર્યા બરોબરનું મહત્વ ધરાવે છે. સંગમ સ્થાન ઉપર ગુજરાતના ખુણેખુણેથી તેમજ દેશના અન્ય પ્રાંતોના પણ લોકો પવિત્ર સ્નાન કરવા આવે છે અને ભકિત, શ્રદ્ધા અને ભાવનાના ધાર્મિક ત્રિવેણી સંગમમાં ભાગ લઇ ધન્યતા અનુભવે છે અને મેળાની મજા માણે છે.આ વર્ષે પ્રથમ દિવસે મંનોરંજન તેમજ અન્ય ખાણીપીણી, રમકડા વગેરેના સ્ટોલ સજજ થઇ રહ્યા હતા અને વેપારીઓ જર્રરી તૈયારી પુર્ણ કરી સ્ટોલ સજાવી આખરી ઓપ આપી રહ્યા હતા તો અગિયારસને લઇને ધાર્મિક ભાવિક ભકતોએ સપ્તદી સંગમ સ્થાનમાં ડુબકી લગાવી પવિત્ર સ્નાન કર્યુ હતું.