આપણે ACમાં બેસીને જે અનાજ આરોગીએ છે તેમાં કેટલાય ખેડૂતોનો પરસેવો હોય છે. ખેડૂતો જેટલું પરિશ્રમી કે ધૈર્યવાન કોઇ હોતું નથી. આ જ કારણે તેમને અન્નદાતા કહેવાય છે
ધરતીપુત્ર ખેડૂતને અન્નદાતા પણ કહેવાય છે. જો ખેડૂત ખેતી નહીં કરે તો અન્નનું ઉત્પાદન નહીં થાય અને આપણાં ભોજનની વ્યવસ્થા પણ નહીં થઇ શકે. ભોજન વગર આપણે વધુ સમય સુધી જીવી પણ નહીં શકીએ. આજે આપણા દેશમાં જ નહીં, પરંતુ આખી દુનિયામાં સૌથી વધુ દુર્દશા ખેડૂતોની જ થઇ રહી છે.
ખેડૂતો લોકો માટે અનાજ ઉગાડે છે, પરંતુ ખુદ ભૂખ્યા રહેવા મજબૂર છે. ખેડૂતો ઠંડી કે ગરમી જોતા નથી. આપણે એસીમાં બેસીને જે અનાજ આરોગીએ છે તેમાં કેટલાય ખેડૂતોનો પરસેવો હોય છે. ખેડૂતો જેટલું પરિશ્રમી કે ધૈર્યવાન કોઇ હોતું નથી. આ જ કારણે તેમને અન્નદાતા કહેવાય છે. આ અન્નદાતાઓની આત્મહત્યા સમગ્ર વિશ્વ માટે શરમની વાત છે. ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં જો આવી અવસ્થા આવે તો આપણી પ્રગતિ અને વિકાસની બધી વાતો, ઉપલબ્ધિઓ બધું જ અર્થહીન છે. ખેડૂતો દેવાંના બોજા નીચે દબાઇને આત્મહત્યા કરવા માટે મજબૂર છે.
ખેડૂતોને સન્માનનો દરજ્જો આપવો જોઇએ
ખેડૂતોને સમાજ, સાહિત્ય, રાજકારણ અને સિનેમામાં અલગથી સન્માનનો દરજ્જો આપવો જોઇએ. દુનિયાની દરેક સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીમાં દરેક ધોરણનાં પાઠ્યપુસ્તકોમાં ખેડૂત સાહિત્ય અને ખેડૂત વિચાર વિમર્શને અનિવાર્ય રીતે સામેલ કરવો જોઇએ.
જમીન ખેડૂતો માટે માત્ર જમીન નથી. તેમની માતા છે
જે ખેડૂતો આપણને રોટલી આપે છે, આજે તેઓ રોટીની શોધમાં રસ્તાઓ પર ભટકી રહ્યા છે. આ રીતે ખેડૂતોને જોઇને કોઇ પણ દેશવાસીનું મન ભરાઇ આવે તે સ્વાભાવિક છે. જમીન ખેડૂતો માટે માત્ર જમીન નથી. તેમની માતા છે. જમીન ઉત્પાદન માટે મહત્ત્વપૂર્ણ ઇનપુટ છે. જોખમથી બચવાનો ઇન્શ્યોરન્સ છે. વારસામાં આપવા લેવાની સંપતિ છે. તેથી તેઓ પોતાની જમીન બચાવવા માટે ખુદને માટીમાં ભેળવી દેવા અને વિરોધ પ્રદર્શનોમાં જીવ રેડી દેવામાં પણ પાછીપાની કરતા નથી.
ખેડૂતોની આવક અને પાકનું ઉત્પાદન વધે તેવા ઉપાયો કરવા જરૂરી
ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે એવા ઉપાયો કરવા જરૂરી છે જેનાથી તેમની આવક વધે અને સાથે સાથે પાકનું ઉત્પાદન વધે. આપણાં ત્યાં કેટલાક ખેડૂતો પાસે વધુ જમીન છે અને કેટલાક ખેડૂતો પાસે ઓછી. જેમની પાસે વધુ જમીન છે તેઓ જમીન ભાડે આપતા એટલે ડરે છે કે ક્યાંક તેમની જમીન જતી ન રહે.
નીતિ આયોગે મોડલ કૃષિ લેન્ડ લિઝિંગ એક્ટનું માળખું તૈયાર કર્યું
બીજી તરફ એવા પણ ખેડૂતો છે જે ભાડે લીધેલી જમીન પર લોન કે વીમા જેવી સુવિધાઓ ન મળવાના લીધે જમીન લેતા ડરે છે. આ સંજોગોમાં નીતિ આયોગે મોડલ કૃષિ લેન્ડ લિઝિંગ એક્ટનું માળખું તૈયાર કર્યું છે. જેમાં બંનેનાં હિતોનું ધ્યાન રખાયું છે. ખેતરો લીઝ પર લેનારા ખેડૂતો લીઝના સમયગાળા દરમ્યાન લોન અને વીમો તેમજ ઇમર્જન્સીમાં રાહત મેળવવા હકદાર બનશે. લીઝ પર જો કોઇ વિવાદ થાય છે તો તેને ત્રીજા પક્ષ કે ગ્રામ પંચાયત અથવા ગ્રામ સભાની મધ્યસ્થતાથી ઉકેલી શકાય. જો આ બધાથી પણ વિવાદનો અંત ન આવે તો અધિકારી પાસે અરજી કરવી જોઇએ.
પ્રાકૃતિક આફતોથી થતાં નુકસાની ભરપાઇ પણ થવી જોઇએ
કેટલાક અન્ય ઉપાયોથી પણ ખેડૂતોની પરિસ્થિતિ સુધારવાના પ્રયાસ કરી શકાય. ખેડૂતોને માર્કેટિંગ અને બિઝનેસ મેનેજમેન્ટના પાઠ શીખવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ, જેથી ઉત્પાદન વધી શકે. ખેડૂતોને યોગ્ય અને ઓછી કિંમતે બીજ અને ખાતર પૂરાં પાડવાં જોઇએ. જેથી તેઓ વધુને વધુ પાક લણી શકે. પ્રાકૃતિક આફતોથી થતાં નુકસાની ભરપાઇ પણ થવી જોઇએ, જેથી ખેડૂતો ફરી વખત એ જ ઉત્સાહ સાથે વાવણી કરી શકે.
પાક ખરાબ થઇ જાય છે તો તેનું દેવું માફ કરવું જોઇએ
મેક ઇન ઇન્ડિયા, કિસાન સન્માન યોજના, પ્રધાનમંત્રી કિસાન યોજના અને કિસાન નિધિ યોજના જેવી યોજનાઓ પણ બનવી જોઇએ. જેના લીધે તેમને વધુને વધુ લાભ મળી શકે. જો કોઇ કારણે પાક ખરાબ થઇ જાય છે તો તેનું દેવું માફ કરવું જોઇએ. જેથી તેઓ દેવાંના ભાર હેઠે ન દબાય અને આત્મહત્યા કરવા પર મજબૂર ન બને.
ખેડૂતોને ઇન્શ્યોરન્સ આપવો જોઇએ
ખેડૂતોનાં પશુઓનું ઘણી વાર આકસ્મિક મોત થાય છે. એ નુકસાનથી બચવા માટે ખેડૂતોને ઇન્શ્યોરન્સ આપવો જોઇએ. ઘણી વાર તેમને સિંચાઇનાં સાધન પણ ઉપલબ્ધ થતાં નથી તો તેની પર પણ સબસિડી આપવી જોઇએ. ગ્રામીણ ક્ષેત્રોમાં સમયસર કીટનાશકોની વહેંચણી પણ થવી જોઇએ. અન્નદાતાઓની હાલત સમજવામાં આવશે તો જ દેશ વિકાસના રસ્તે જઇ શકશે. •