કોરોના વાયરસના ભયંકર કહેરના કારણે હવે ગામડાઓમાં પરિસ્થિતિ અતિગંભીર થઈ ગઈ છે.
- ભાવનગરના ઉમરાળાના ચોગઠમાં કોરોનાને લઇને સ્થિતિ ગંભીર
- ચોગઠ ગામમાં 20 દિવસમાં 90થી વધુ લોકોના મૃત્યુ
- ગામલોકોને ટેસ્ટિંગ કરાવવા જિલ્લા વિકાસ અધિકારીની અપીલ
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં કોરોનાનો કાળો કહેર કહેર જોવા મળ્યો છે 13 હજારની વસ્તી ધરાવતા આ ચોગઠ ગામમાં છેલ્લા 20 દિવસમાં લગભગ 90થી વધુ લોકોનાં મોત થયા છે. છેલ્લા 20 દિવસથી સ્મશાનની આગ ઓલાય નથી અને યુવાનો અને વૃદ્ધો અકાળે મોતના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. સરકારી તંત્ર કોઈપણ સુવિધા પુરી પાડવામાં ઉણું ઉતર્યું છે. કોરોનાનાં ભયનાં ઓથાર નીચે ગ્રામલોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે.જો કે આ ઘટનાના મામલે જિલ્લા વિકાસ અધિકારી એ એક વાતચીતમાં સ્થાનિકો ને અપીલ કરી છે કે જયારે તમારે ત્યાં આરોગ્ય ની ટિમ આવે તેને સહકાર આપો અને તેમના ટેસ્ટિંગ ફરજીયાત કરાવે જેથી આ રોગ ને કાબુ માં લઇ શકાય
જિલ્લામાં કોરોનાનો કહેર હવે ગ્રામ્ય વિસિતારોં માં પણ વધ્યો છે અને તેની અસર આસપાસના ગામડાઓમાં જોવા મળે છે. ચોગઠ ગામમાં કોરોનાના કહેર વચ્ચે 20 દિવસમાં 90 થી 100 જેટલા લોકોના મોત થયા છે, જો કે સરકરી યાદીમાં અહીંના મોતના આંકડા જોવા મળતા નથી અને સરકાર તેને કો-મોર્બિડમાં ખપાવી રહી છે.
પરિજનોના છાનું રાખવા નથી મળી રહ્યું કોઈ
પ્રાથમિક સુવિધાઓથી વંચિત આ ગ્રામ્ય વિસ્તારોમાં રેપીડ ટેસ્ટ કીટ, દવાઓ, રિપોર્ટ કે ઓક્સિજનની એકપણ સુવિધા હોતી નથી. ત્યારે બીજી તરફ ચોગઠ ગામનાં સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ગામના છેલ્લા 20 દિવસમાં લગભગ 90 થી 100 અંતિમ સંસ્કારો કરવામાં આવ્યા છે અને એક પણ દિવસ આ સ્મશાનની આગ શાંત થઈ નથી. હૃદય કંપાવી નાખે અને હૃદય ધબકારો ચુકી જાય એવી ભયાનક અને કરુણ પરિસ્થિતિના દ્રશ્યો સર્જાય ત્યારે પરિવારજનોને છાનું રાખવાવાળું મળતું નથી.
લાકડા ખૂટી પડ્યા
ચોગઠ ગામનાં સ્મશાનમાં લાકડા પણ ખૂટી ગયા જે લાકડાઓ સ્મશાનમાં એકવર્ષ સુધી ચલતા હતા તે છેલ્લા 15 થી 20 દિવસમાં ખુંટી પડ્યા એટલાં બધા મોતથી આ ગામમાં ફફડાટ અને ડર ફેલાય ગયો છે. સુમસાન શેરીઓમાં સાક્ષાત યમરાજ આંટાફેરા મારી રહ્યા હોય હોય આભાસ થઈ રહ્યો છે. ચોગઠમાં ઘેર-ઘેર માંદગી અને બીમારીના ખાટલાથી લોકોમાં ખૂબ જ અસંતોષ જોવા મળી રહ્યો છે.
મરશિયાનું આક્રંદ શાંત નથી થયું
ચોગઠ ગામમાં કોરોના નો કહેર છે તેમ છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો, સાંસદો કોઈપણ પણ ગામમાં ડોકિયું પણ નથી કર્યું. કદાચ સમગ્ર ગુજરાતમાં ગ્રામ્ય કક્ષાએ આ મોતનો આંકડો સૌથી વધારે છે અને કૂદકે ભૂસકે વધી રહ્યો છે. દરરોજ 7-8મોત થઈ ગામમાં મરશિયાનું આક્રંદ છેલ્લા ૨૫ દિવસથી શાંત થયુ નથી. કોરોનાનાં ભયનાં ઓથાર નીચે ગ્રામલોકો ની ઊંઘ હરામ થઈ ગઈ છે.જિલ્લા વિકાસ અધિકારી આટલી સ્થિતિ વચ્ચે લોકો આરોગ્યની ટિમને સાથ નથી આપતા તેમ જણાવી અમે અહીં કામ કરતા હોવાનો દાવો કર્યો છે જો કે તેમણે આ મોત કોરોના થી જ થયા છે કે કેમ તે અંગે કોઈ ફોડ પડ્યો નથી.