સુરતમાં બસે ટુ વ્હીલર પર જતા યુવાનને કચડ્યો સુરત: શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતોની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ સુરત શહેરના રસ્તા ઉપર દોડતી પાલિકા સંચાલિત સિટી બસ હોય કે બીઆરટીએસ બસ કે પછી ગુજરાત એસટી નિગમની બસ હોય આ તમામ બસ ચાલકોને જાણે બેફામ બસ હંકારવાનો પરવાનો મળી ગયો હોય તેમ પૂરપાટ ઝડપે બસ દોડાવી ગંભીર અકસ્માતની ઘટના સર્જી રહ્યા છે. જ્યાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સુરતના ઉધના વિસ્તારમાં બનવા પામી છે.
સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ઉધના નવસારી રોડ પર આવેલા જીવન જ્યોત મેઇન રોડ પર પૂરપાટ ઝડપે દોડી આવતી ગુજરાત એસટી બસના ચાલકે અહીંથી પસાર થતાં મોપેડ સવાર યુવકને અડફેટે લીધો હતો. એસટી બસની અડફેટે આવેલા યુવકના માથા પર બસનું પાછલું ટાયર ફરી વળતાં ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના બાદ બસનો ચાલક બસ મૂકી ફરાર થઈ ગયો હતો. ગમખ્વાર અકસ્માતની આ ઘટના બાદ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ધસી ગયા હતા. જોકે લોકોએ બસ ચાલકને પકડવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ બસ ચાલક લોકોને હાથતાળી આપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.
સુરતમાં બસે ટુ વ્હીલર પર જતા યુવાનને કચડ્યો
વધુમાં ગુજરાત એસટીની જે બસ જોડે ગંભીર અકસ્માતની ઘટના બની હતી તે બસ સાપુતારા-બાલાસિનોર રૂટ પર દોડતી બસ હતી. જે બસની અડફેટે સુરતના ઉધના વિસ્તારમાં રહેતા ચિરાગ ભુપેન્દ્રભાઈ જૈન નામના યુવકનું મોત નિપજ્યું છે.
યુવકમાં મોતના પગલે ઘટના સ્થળ પર દોડી આવેલા પરિવારજનોમાં ભારે આક્રંદ અને રોષ જોવા મળ્યો હતો. એટલું જ નહીં, પરંતુ ઘટના સ્થળ ઉપર પરિવારજનો દ્વારા હૈયાફાટ રૂદન કરવામાં આવ્યું હતું. પરિવારમાં સ્વજનના મોતને લઈ શોકની લાગણી ફરી વળી હતી.
બીજી તરફ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે સીસીટીવી ફૂટેજમાં એસટી બસના ચાલકની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે છતી થઈ રહી છે. બાજુમાંથી પસાર થતાં મોપેડ ચાલકને ટક્કર મારતા યુવક બસના પાછલા ટાયર નીચે જઈ પડ્યો હતો. જે બાદ બસનું ટાયર યુવકના માથા પર ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. હાલ તો આ ઘટના અંગે ઉધના પોલીસે અજાણ્યા બસ ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આવા બસ ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીની લોકોમાં માંગ ઉઠી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે