વોકલ ફોર લોકલમાં નાના વિક્રેતાઓને લાભ કેટલો? દિવાળીના તહેવારો શરૂ થઈ ચુક્યા છે અને સાથે જ શરૂ થઈ ગઈ છે વોકલ ફોર લોકની ચર્ચા. આમ તો જ્યારે આવા તહેવાર આવે ત્યારે ઘણાં વર્ષોથી સ્વદેશી ઉત્પાદન અપનાવવા અને વિદેશી બ્રાન્ડનો બહિષ્કાર કરવો એવી વાતો થતી રહેતી હતી. જો કે પ્રધાનમંત્રી મોદીએ રાજકીય કુનેહની જેમ વોકલ ફોર લોકલનો મંત્ર આપીને કોઈનો પણ બહિષ્કાર કરવાની વાત કર્યા વગર સ્વદેશી વસ્તુ અને ઉત્પાદન ખરીદવાની આગ્રહભરી અપીલ કરી છે.
તાજેતરમાં પ્રધાનમંત્રીએ મન કી બાતના સંસ્કરણમાં વોકલ ફોર લોકલની વાત કરીને દેશવાસીઓને અપીલ કરી કે આપ જે કોઈ સ્વદેશી પ્રોડક્ટ ખરીદો તેની સેલ્ફી નમો એપ પર ખાસ મુકજો. સિક્કાની બીજી બાજુ એ પણ છે કે વોકલ ફોર લોકલને પ્રમોટ કરવા મનોરંજન માધ્યમો પણ આગળ આવ્યા અને તેનો ભરપૂર પ્રચાર સોશિયલ મીડિયામાં કર્યો. જો કે આજના મહામંથનમાં પાયાનો પ્રશ્ન એ ચર્ચવાનો છે કે ગ્રાહકવાદ ઉપર ટકેલું બજાર ગ્રાહકને શું આપવા માંગે છે અને ગ્રાહક બજાર પાસેથી શું ઈચ્છે છે.
વોકલ ફોર લોકલમાં નાના વિક્રેતાઓને લાભ કેટલો?
જે વર્ગ, સમુદાય બ્રાંડેડ કે વિદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખતો હશે તે સ્વદેશી ઉત્પાદન ખરીદશે કે કેમ. જે પેઢી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા જ ટેવાયેલી છે તે સ્થાનિક રેસ્ટોરન્ટ કે કાફે પાસેથી ભોજન લેવા જશે કે કેમ. સ્થાનિક વેપારીઓ પણ સમયની માંગ પ્રમાણે ડિજિટલી કેટલા અપડેટ થયા છે તે મુદ્દો પણ મહત્વનો છે. દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે સ્વદેશી ઉત્પાદન ખરીદવાને લઈને રાજ્યમાં કેવો માહોલ છે.
`વોકલ ફોર લોકલ’નો મુદ્દો
દિવાળી પર્વ શરૂ થતા જ `વોકલ ફોર લોકલ’નો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં પ્રધાનમંત્રીએ પણ લોકોને `વોકલ ફોર લોકલ’ની યાદ અપાવી છે તેમજ `મન કી બાત’ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ `વોકલ ફોર લોકલ’ની વાત કરી અને દિવાળીના તહેવારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદી ઉપર ભાર મુક્યો છે. નાના વેપારીઓ, શ્રમિકો, કારીગરોને પ્રોત્સાહન આપવા અપીલ કરી તેમજ `વોકલ ફોર લોકલ’ની ચર્ચા વચ્ચે પ્રશ્ન એ છે કે ગ્રાહક બજાર પાસેથી શું ઈચ્છે છે?
પ્રધાનમંત્રીએ શું અપીલ કરી?
વોકલ ફોર લોકલ ચળવળને વેગ આપો અને સ્થાનિક સ્તરે વોકલ ફોર લોકલને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો સ્વદેશી ઉત્પાદન ખરીદવાનો આગ્રહ રાખે અને સ્વદેશી ઉત્પાદન ખરીદ્યા પછી નમો એપ ઉપર સેલ્ફી શેર કરો અને ચુનંદા ખરીદદારોનો વીડિયો શેર કરવામાં આવશે. ખરીદેલા ઉત્પાદનનું પેમેન્ટ UPI માધ્યમથી કરવામાં આવે.
લોકો શું યોગદાન આપી શકે?
સ્થાનિક દુકાનેથી વસ્તુઓ ખરીદી શકાય
એપ ઉપર ભોજન ઓર્ડ કરવાને બદલે સ્થાનિક રેસ્ટોરન્ટ કે કાફેમાંથી ભોજન મંગાવવું
સુપરમાર્કેટને બદલે રેકડી કે રસ્તા ઉપર બેઠેલા ફેરિયા પાસેથી શાકભાજી ખરીદવા
બ્રાંડેડ સ્ટોરને બદલે સ્થાનિક દુકાનથી જૂતા ખરીદવા
ઘર સજાવટની વસ્તુઓ સ્થાનિક કારીગરો પાસેથી ખરીદવી
બ્રાંડેડ પેકેટમાં વેચાતા ચોકલેટ, મીઠાઈને બદલે સ્થાનિક દુકાનદારો પાસેથી ખરીદવા
ઈલેકટ્રોનિક સામાન સ્થાનિક ડીલર પાસેથી ખરીદવા આગ્રહ રાખવો
`વોકલ ફોર લોકલ’ના ફાયદા
સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળશે સ્થાનિક ઉત્પાદન વધુ ગુણવત્તાસભર બનશે. નાના અને મધ્યમ ઉદ્યોગની ઓળખ મજબૂત થશે અને સ્થાનિક સ્તરે રૂપિયો ફરતો થશે. સ્થાનિક ઉત્પાદકો વધુ જવાબદારીથી વર્તશે અને સારી ગુણવત્તાની વસ્તુ સ્થાનિક સ્તરે જ મળી રહેશે
`વોકલ ફોર લોકલ’ની મર્યાદા
સિમિત વિકલ્પ, વિવિધતામાં મર્યાદા
બહોળા ઉત્પાદનનો અભાવ જેથી કિંમત વધારે
સંસાધનો સુધી સિમિત પહોંચ
ઓછી સુવિધાની સંભાવના
ગંજાવર માર્કેટ સુધી પહોંચવાની મર્યાદા
સિક્કાની આ બાજુ પણ જોવી જરૂરી
ગ્રાહકની વ્યક્તિગત અપેક્ષા અલગ હોય છે તેમજ દરેક વ્યક્તિ કે સમુદાય માટે સ્વદેશી વસ્તુ સારો વિકલ્પ નથી અને દરેકની જરૂરિયાત અને પ્રાથમિકતા અલગ હોય છે. રૂપિયો ક્યાં અને કેમ ખર્ચ કરવો એ ગ્રાહક જાતે નક્કી કરે છે. જરૂરી નથી કે ગ્રાહકને સ્વદેશી વસ્તુ પસંદ જ આવે અને ગ્રાહક બ્રાંડેડ વસ્તુઓ ખરીદવાનો ઘણા કિસ્સામાં આગ્રહી હોય છે. ખાદી લાંબા સમયથી દેશમાં ઉપલબ્ધ હતી અને `વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન બાદ ખાદીના વેચાણને વેગ મળ્યો છે. દિલ્લીના કનોટ પ્લેસમાં એક દિવસમાં કરોડોની ખાદી વેંચાઈ છે. સ્વદેશી વસ્તુઓને ગ્રાહક પસંદ કરે એવો માહોલ બનાવવો જરૂરી તેમજ સ્વદેશી વસ્તુઓમાં ગુણવત્તાસભર ઉત્પાદન માટે સ્પર્ધા થાય અને બ્રાંડેડ વિદેશી વસ્તુઓ પણ ક્યારેક લોકલ જ હતી એ સમજવું જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે