CBSE બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષા રદ કરવામાં આવી અને ધોરણ-૧૨ની પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ ૧૨ની પરીક્ષાઓ લેવાશે કે કેમ તેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનેક તર્ક-વિતર્કો શરૂ થયા હતા. તો વળી કોરોના ની આ ગંભીર પરિસ્થિતિમાં પરીક્ષાઓ સ્થગિત કરવા માટે પણ રજૂઆતો કરાઈ હતી જેને લઇને રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે.
સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 12 ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી 10મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશના થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. તેમજ ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી 10મી મેથી 25મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે, તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.