બનાસકાંઠામાં ખેડૂતોનો હાલ બેહાલ બનાસકાંઠામાં થયેલ કમોસમી માવઠાના કારણે બનાસકાંઠા જિલ્લામાં બટાટા, એરંડા, વરિયાળી સહિત શાકભાજીના પાકોમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં બટાટાની નગરી તરીકે ઓળખાતા ડીસા શહેરમાં પણ બટાટાના વાવેતર બાદ થોડા સમય અગાઉ પડેલા કમોસમી વરસાદના કારણે બટાટાના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે, ખાસ કરીને ડીસા પંથકના ખેડૂતોને બટાટાના પાકમાં વ્યાપક નુકસાન થતા ખેડૂતોને હવે પોતાના ખેતરો ખેડવાનો વારો આવ્યો છે.
કમોસમી વરસાદને લીધે પાકને નુક્સાન
હવામાન વિભાગની આગાહી બાદ બનાસકાંઠામાં થયેલ કમોસમી માવઠાંનાં કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. ખાસ કરીને તારીખ 27 11 2023 ના રોજ બનાસકાંઠા જિલ્લામાં રાત્રિના સમયે શરૂ થયેલા કામોસમી વરસાદના કારણે જિલ્લામાં બટાટા એરંડા વરિયાળી સહિત શાકભાજીના પાકોમાં મોટું નુકસાન થવા પામ્યું હતું. જેમા ડીસા શહેરમાં પડેલા 48 mm જેટલા વરસાદના કારણે ખેતી પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ડીસા પંથકમાં ખાસ કરીને સૌથી મોંઘી ગણાતી બટાટાની ખેતીમાં પણ વરસાદના કારણે મોટું નુકસાન થવા પામ્યું છે.
પાણી ભરાઈ જતાં નુક્સાન
ડીસા પંથકમાં ખેડૂતોએ માવઠાં પહેલા જે બટાકાનું વાવેતર કર્યું હતું તેમાં પાણી ભરાઈ જવાના કારણે બટાટાના કાપા સડી જવા પામ્યા હતા. જ્યારે ઉગેલા બટાટાના પાળાઓમાં પાણી ભરાઈ જવાના કારણે બટાટાના છોડનો વિકાસ ન થતાં તેમાં પણ નુકસાન થવા પામ્યું છે. જેથી ખેડૂતોને ના છૂટકે અત્યારે બટાટાનું વાવેતર ખેડી નવેસરથી વાવેતર કરવાની શરૂઆત કરવા મજબૂર બનવું પડ્યું છે. બી અત્યારે ખેડૂતો જે ખેતરમાં ચાલુ વર્ષે સારા ઉત્પાદનની આશાએ મોંઘાટ બિયારણો અને ખાતર લાવી ખેતરોમાં બટાકાનું વાવેતર કર્યું હતું. તે જ ખેતર હવે ખેડૂતો વરસાદના કારણે બટાટાના કાપા બગડી જતા ખેતર ટ્રેક્ટરથી ખેડવા માટે મજબૂર બન્યા છે. કારણ કે મોટાભાગના ખેતરોમાં વાવેતરના સમયે જ ખેડૂતોને વરસાદ નડતા તમામ ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેથી વરસાદી પાણી ભરાઈ રહેતા ખેડૂતોના ખેતરમાં બટાટાનું બિયારણ સડી ગયું છે.
સરકાર સહાય કરે તેવી ખેડૂતોની માંગ
હવે બટાટાનું વાવેતર કોઈ જ કામનું ન રહેતા હવે ખેડૂતો ટ્રેક્ટર વડે ખેતર ખેડી રહ્યા છે. આ બાબતે નવા વાવેતર માટે તાત્કાલિક સરકાર સર્વે કરી ખેડૂતોના વાહરે આવે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યાં છે. બટાકાની ખેતી આમ તો સૌથી મોંઘી ખેતી ગણાય છે. એક વીઘામાં વાવેતર કરવું હોય તો અંદાજિત રૂપિયા 50,000 થી વધુનો ખર્ચ થતો હોય છે.
ત્યારે હાલમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં બટાટા ખેડવા પડે તેવી નોબત આવતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. ત્યારે ખેડૂતોને કોઈ જ પ્રકારની સહાય ના મળતા રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ તો ડીસા તાલુકાના બટાટામાં નુકસાન થયેલ ખેડૂતોને તાત્કાલિક સરકાર સહાય કરે તેવી માંગ કરવામાં આવી રહી છે.
14 ટીમો કાર્યરત
કમોસમી વરસાદના કારણે મોટાભાગના ખેડૂતોને બટાટાના પાકમાં નુકસાન જોવા મળી રહે છે આ બાબતે જિલ્લા બાગાયતી ખેતીવાડી અધિકારી જણાવી રહ્યાં છે કે બનાસકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોને થયેલ નુકસાન બાબતે જે પણ ખેડૂતોની અરજી કચેરીએ આવી છે તે તમામ ખેડૂતોના ખેતરમાં સર્વેની ટીમ મોકલવામાં આવી છે અને આગામી સમયમાં હજુ પણ 14 તાલુકાઓમાં બાગાયતી ખેતીવાડીની 14 ટીમો બનાવવામાં આવી છે જે પણ ખેડૂતોની નુક્સાનની અરજી જિલ્લા ખેતીવાડી અધિકારી ની ઓફિસે આવશે તે તમામ ખેડૂતોનું સર્વે કરી તાત્કાલિક સહાયની ચુકવણી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે