- વિક્રમ લેન્ડરે લેન્ડિંગ પહેલા ચંદ્રની નવી તસવીર મોકલી હતી.
- ચંદ્રયાન-3, 23 ઓગસ્ટની સાંજે 6.40 કલાકે લેન્ડ થશે
- લેન્ડર મોડ્યુલ 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરે તેવી અપેક્ષા
ભારતની સાથે સાથે સમગ્ર વિશ્વની નજર ચંદ્રયાન-3ના લેન્ડિંગ પર ટકેલી છે. ભારતીય અંતરિક્ષ એજન્સી ISROએ વિક્રમ લેન્ડર દ્વારા મોકલવામાં આવેલી તસવીર શેર કરી છે. ઈસરોએ ટ્વીટ કર્યું કે વિક્રમ લેન્ડર દ્વારા કેટલીક તસવીરો મોકલવામાં આવી છે. લેન્ડરમાં લગાવવામાં આવેલો કેમેરો લેન્ડિંગ દરમિયાન પથ્થરો અને ઊંડી ખાઈ વિશે માહિતી આપતો રહે છે.
23 ઓગસ્ટે 6 વાગ્યે ચંદ્રની સપાટીને સ્પર્શ કરશે
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ રવિવારે જણાવ્યું હતું કે તેણે ચંદ્રયાન-3 મિશનના ‘લેન્ડર મોડ્યુલ’ (LM)ને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં થોડું નીચું ઈન્જેક્ટ કર્યું છે અને તે હવે 23 ઓગસ્ટે 6 વાગ્યે ચંદ્રની સપાટીને સ્પર્શ કરશે. સ્પેસ એજન્સીએ કહ્યું કે પ્રસ્તાવિત ‘સોફ્ટ લેન્ડિંગ’ પહેલા લેન્ડર મોડ્યુલનું આંતરિક પરીક્ષણ કરવામાં આવશે. ઈસરોએ જણાવ્યું હતું કે લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નું લેન્ડર મોડ્યુલ 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરે તેવી અપેક્ષા છે. આ પહેલા ઈસરોએ કહ્યું હતું કે મોડ્યુલ 23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે.
વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ટેક્નોલોજી અને ઉદ્યોગ તરફ એક મહત્વપૂર્ણ પગલું
ISROએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘લેન્ડર મોડ્યુલ બીજા અને અંતિમ ડિબૂસ્ટિંગ (પ્રક્રિયાને ધીમી કરવાની) કામગીરીમાં સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં વધુ નીચે ઉતરી ગયું છે. મોડ્યુલ હવે આંતરિક પરીક્ષણ પ્રક્રિયામાંથી પસાર થશે અને નિયુક્ત લેન્ડિંગ સાઇટ પર સૂર્યોદયની રાહ જોશે.ઇસરો અનુસાર, ભારત ચંદ્રયાન-3 મિશન દ્વારા અવકાશ સંશોધનમાં એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કરશે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ સિદ્ધિ ભારતીય વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ટેક્નોલોજી અને ઉદ્યોગ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે અને અવકાશ સંશોધનમાં દેશની પ્રગતિ દર્શાવે છે.
બહુપ્રતિક્ષિત ઇવેન્ટ 23 ઓગસ્ટના રોજ ટેલિવિઝન પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે, ISRO ની વેબસાઇટ, તેની YouTube ચેનલ, ISRO નું Facebook પેજ અને DD (દૂરદર્શન) નેશનલ ટીવી ચેનલ સહિત બહુવિધ પ્લેટફોર્મ્સ પર સાંજે 5:27 વાગ્યે શરૂ થશે. ISROએ કહ્યું, “ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ એ એક ઐતિહાસિક ક્ષણ છે જે માત્ર જિજ્ઞાસા જ નહીં, પણ આપણા યુવાનોના મનમાં શોધખોળની ભાવના પણ જગાડશે. ISROએ કહ્યું કે સમગ્ર દેશમાં તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે તેને સક્રિયપણે પ્રમોટ કરવા માટે દેશને આમંત્રિત કરવામાં આવ્યા છે અને ચંદ્રયાન-3ના ‘સોફ્ટ લેન્ડિંગ’નું જીવંત પ્રસારણ કેમ્પસમાં આયોજિત કરવામાં આવશે.