■ ઘણી વખત કોઈ બાબતે શેઢા પાડોશીઑ વચ્ચે ઝઘડો થવાને કારણે એક ખેડૂત દ્વારા બીજા ખેડૂતને તેના ખેતરે જવાના રસ્તામાં કૃત્રિમ આડશ ઊભી કરી દેવામાં આવે છે. અથવા ખેતરાઉ રસ્તામાં ખાડા ખોદી નાંખવામાં આવે છે. ઘણી વખત રસ્તા આડે બાવળીયાનો ઢગલો કરીને પણ રસ્તો બંધ કરવામાં આવે છે. અથવા અવરોધ ઊભો કરીને વરસાદી પાણીનો નિકાલ અટકાવવામાં આવતો હોય છે… આવા સમયે જેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે તેવો આર્થિક અને શારીરિક રીતે નબળો ખેડૂત રસ્તો બંધ કરનાર માથાભારે ખેડૂતની વિરુદ્ધમાં આ રસ્તો ખુલ્લો કરાવવા માટે મામલતદાર કચેરીમાં ફરિયાદ દાખલ કરી શકે છે. મામલતદાર આ બાબતે ‘મામલતદાર કોર્ટ એક્ટ 1906’ ની જોગવાઇઓ મુજબ કાર્યવાહી કરતાં હોય છે.
■ ઉક્ત અધિનિયમ હેઠળ મામલતદારને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવેલ છે. અગાઉનો મામલતદાર કોર્ટ એક્ટ 1876 રદ કરીને મામલતદાર કોર્ટ એક્ટ 1906 સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પાડવામાં આવ્યો છે. આ અધિનિયમથી મામલતદારને કોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ કાયદામાં કલમ નંબર 5 માં કોર્ટને અમર્યાદિત સત્તાઓ આપવામાં આવેલ છે.
કેટલીક અગત્યની કલમો અને મામલતદાર કોર્ટની સત્તાઓ:-
● કલમ 5(1) મુજબ સીમાંકિત કરેલ નહેરમાં વહેતા કુદરતી જળપ્રવાહમાં અથવા ખેતી, ચરાઈ, વૃક્ષ અથવા પાક માટે વપરાતી કોઈ જમીન (ખેતીની જમીન) માથી કુદરતી રીતે નીકળતા અથવા તેના ઉપર પડતાં પાણીની સપાટીમાં કાયદાના યોગ્ય અધિકારથી કરવામાં આવ્યા ન હોય તેવા અવરોધો દૂર કરવાની કે કરાવવાની અથવા તે હેતુ માટે વપરાતી જમીનને અથવા તેની ઉપર આવેલ ચરાઈ, વૃક્ષ કે પાકને એવા અવરોધથી નુકસાન થાય અથવા થવાનો સંભવ હોય તો તેવી લગોલગની જમીનો ઉપર અવરોધ દૂર કરવાની કે કરાવવાની સત્તા.
● કલમ 5(2) મુજબ કલમ 5(1) માં વ્યાખ્યાયિત કરેલા કૃત્ય બદલ મામલતદારને આવું કૃત્ય કે અવરોધ કરવાનો કે તેમ કરવાનો પ્રયત્ન નહીં કરવાનું ફરમાવવાનો મનાઈ હુકમ કાઢવાની સત્તા છે.
● કલમ 5(3) મુજબ આ કાયદાની કલમ 5(1) થી વ્યાખ્યાયિત કરેલ કોઈ કૃત્યથી અસર પામેલ વ્યક્તિને દાવો માંડવાનો હક્ક આપ્યો છે પરંતુ આવો દાવો દાવાનું કારણ ઉપસ્થિત થયા તારીખથી 6 મહિનાની અંદર કરવો જોઈએ, અન્યથા દાવો દાખલ કરવામાં આવશે નહી.
● કલમ 5(4) મુજબ જે તારીખે અવરોધ કરવાનું શરૂ થયું હોય અથવા અડચણ ઊભી કરવાની શરુઆત થઈ હોય તે તારીખે દાવાનું કારણ ઉત્પન્ન થયેલું ગણાશે.
● આ કાયદાની કલમ 18(1) મુજબ કોઈ સગીરને સ્વાભાવિક વાલી અથવા યોગ્ય રીતે નિમાયેલા વાલી હોય તો દાવો માંડી શકે છે.
● કેટલીક વખત વારંવાર સમન્સ મોકલવા છ્ત્તા પ્રતિવાદીઓ હાજર રહેતા ન હોય તો આ અધિનિયમની કલમ 16(2) મુજબ મામલતદાર પોતે નોટિસ બજ્યાની ખાતરી કરી પ્રતિવાદી હાજર રહી શકે તેવા પૂરતા અને વાજબી કારણોની ખાતરી કર્યા બાદ એકપક્ષીય રીતે દાવાઅરજી સાંભળી તેનો નિકાલ કરી શકે છે. અને દાવા અરજીનો નિકાલ કર્યાના 30 દિવસની અંદર કોઈપણ પક્ષકાર જે હાજર ન રહી શકવાના કારણોની ખાતરી કરાવે કે એ બાબતે પુરાવા રજૂ કરે તો ફરીથી કેસ સાંભળી શકાય છે.
● ચાલુ દાવા દરમિયાન મામલતદારને જરૂરી લાગે તેવા પક્ષકારોને પોતે વાદી કે પ્રતિવાદી તરીકે કલમ 18(2) અનુસંધાને કેસમાં ઉમેરી શકે છે.
● વધુમાં આ અધિનિયમની કલમ 19(2) મુજબ મામલતદાર પોતાને યોગ્ય લાગે તો જાતે પણ રૂબરૂ જઈને તકરારી મિલકતની મુલાકાત કરીને પક્ષકારોની રૂબરૂમાં તપાસી શકે છે.
દાવા અરજી કરતી વખતે આટલો ઉલ્લેખ જરૂરી છે:-
● આ અધિનિયમનો ઉપયોગ કરનાર ખેડૂતોએ ખાસ ધ્યાનમાં રાખવું કે, મામલતદાર કોર્ટમાં દાવા અરજી દાખલ કરવામાં વાદીનું નામ, ઉંમર, ધર્મ, જ્ઞાતિ, ધંધો અને રહેઠાણની માહિતી આપવાની રહે છે.
● વધુમાં પ્રતિવાદી (સામેવાળા) નું નામ, ઉંમર, ધર્મ, જ્ઞાતિ, ધંધો અને રહેઠાણ ની વિગતો પણ આપવાની રહે છે.
● અવરોધ કરવામાં આવેલ હોય તે પ્રકાર અને ક્યાં સ્થળે કરવામાં આવ્યો છે તે સ્થળ અને એકબીજાને લગોલગ આવેલ જમીનોનું સ્થાન અને માંગેલી દાદનો પ્રકાર.
● જેનો કબ્જો ઉપયોગ કરવા માટે માંગેલ હોય તે મિલકતનો પ્રકાર અને સ્થળ અથવા યથાપ્રસંગે જે મનાઈ હુકમ કરવાનો હોય તેનો પ્રકાર.
● જે તારીખે દાવાનું કારણ ઉદ્ભવ્યું હોય તે તારીખ તથા જે હકીકત પરથી દાવાનું કારણ ઊભું થયું હોય તે હકીકત.
● વાદીના દસ્તાવેજો તથા તેના સાક્ષીઓની યાદી અને ક્યો સાક્ષી શું પુરાવો આપશે તે પણ ઉલ્લેખ કરવાનો રહે છે.
● અત્રે નોંધનીય છે કે, આ અધિનિયમની કલમ 8 મુજબ ઉપરોક્ત નમુનામાં અરજી મળેલ ન હોય પરંતુ દાવાનો વિષય કલમ 5 મુજબ હોય તો અરજદારને મળતી દાદ વિષે સમજાવી તેની ઇચ્છાની અરજી પર નોંધ કરવાની તેમજ આવી અરજી દાવા અરજી તરીકે સ્વીકારવાની સૂચન થયેલ છે. આવા સમયે મામલતદાર આ અધિનિયમની કલમ 9 મુજબ સોગંધ ઉપર જુબાની લઈ અને કેસ દાખલ કરી મુદ્દત આપી શકે છે.
ખાસ ધ્યાનમાં રાખવાની બાબત :-
● ઘણી વખત મામલતદાર કચેરીમાં કેસોનો ભરાવો થયેલ હોય અથવા કોઈ રાજકીય અથવા અન્ય કારણોસર મામલતદાર કચેરી દ્વારા આપની દાવા અરજીને નામંજૂર કરવાનું પહેલેથી જ નક્કી કરવામાં આવેલ હોય છે. દાવા અરજી નામંજૂર કરવા માટે મોટે ભાગે અરજી આપવા જઈએ ત્યારે રૂબરૂ અથવા ટપાલ માં અરજી મોકલાવી હોય તો ફોન દ્વારા અરજદાર પાસેથી દાવાનું કારણ ઊભું થયાની તારીખ પૂછવામાં આવતી હોય છે અને અરજદાર એવું જણાવે કે ગયા વર્ષે અમારો ખેતરે જવાનો રસ્તો બંધ કરેલ… તો દાવાનું કારણ ઊભું થયાને 6 મહિનાથી વધારે સમય થયો હોવાનું કારણ બતાવી આ કાયદાની કલમ 12 મુજબ દાવા અરજી નામંજૂર કરવામાં આવતી હોય છે. આથી મામલતદાર કચેરીમાં જ્યારે પણ અરજી દાખલ કરવાના પ્રસંગો ઊભા થાય ત્યારે દાવા અરજીમાં ખાસ 6 મહિના અંદરની તારીખ દર્શાવવી જોઈએ.
● અરજદારે કેસ શરૂ થયાની પહેલી જ મુદ્દતે જ્યાં સુધી કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી પોતાના ખેતરે અવર જવર શરૂ રહે અથવા તો પાણીના નિકાલ બાબતે પ્રશ્ન હોય તો તેને અવરોધે નહીં તે માટે તાત્કાલિક કામચલાઉ મનાઈ હુકમ મળવા બાબતની માંગણી કરવી જોઈએ.
મામલતદાર કોર્ટના આખરી નિર્ણયની અમલવારી કઈ રીતે :-
● ઘણી વખત એવા દાખલાઓ ધ્યાનમાં આવતા હોય છે કે, રસ્તો ખુલ્લો કરવાનો હુકમ કર્યા બાદ મામલતદાર કચેરીએ વારંવાર ધક્કા ખાધા બાદ પણ રસ્તાની અડચણ દૂર કરવામાં આવતી નથી અથવા તો મામલતદાર કચેરીમાંથી એવું પણ જણાવવામાં આવે છે કે, અમે હુકમ કરી દીધો છે એટ્લે હવે તમે પોલીસ પ્રોટેકશન મેળવીને તમારા ખર્ચે રસ્તો ખુલ્લો કરાવી લ્યો. પરંતુ આપને જણાવી દઉં કે, આ અધિનિયમની કલમ 21(1) મુજબ મામલતદાર કોર્ટ એક્ટ મુજબ કરવામાં આવેલ હુકમની અમલવારી કરાવવાની જવાબદારી મહેસૂલી અધિકારીઓની જ છે.
● આ કલમ મુજબ મામલતદારનો નિર્ણય અવરોધ દૂર કરવા માટે અથવા કબ્જો સોંપવા માટે અથવા ઉપયોગ હક્ક પુનઃ પ્રાપ્ત કરવા માટે હોય તો તે ગ્રામ અધિકારીઓ (તલાટી) અથવા તાબાના કોઈ અધિકારી (નાયબ મામલતદાર કે સર્કલ અધિકારી) ને અથવા તેને યોગ્ય લાગે તો બીજી રીતે હુકમ કાઢીને અમલમાં લાવશે.
● પોતાના હુકમની અમલવારી કરવામાં આવતી ન હોય તો IPC ની કલમ 188 મુજબ કાયદાકીય પગલાઓ પણ મામલતદાર ભરી શકે છે. જે બાબતનો ઉલ્લેખ આ અધિનિયમની કલમ 21(4) માં કરવામાં આવેલ છે. વધુમાં કેટલાક કિસ્સાઓમાં જો મામલતદાર કોર્ટ એક્ટ અનુસંધાને ચાલતા દાવા ના કારણે બે પક્ષો વચ્ચે સુલેહ-શાંતિનો ભંગ થશે એવું લાગે તો બંને પક્ષે પોતાની સત્તાની રૂએ ક્રિમિનલ પ્રોસીઝર કોડની કલમ 107 મુજબ ચેપ્ટર કેસ દાખલ કરીને પણ પગલાં લઈ શકે છે.
સૌથી મહત્વની બાબત :-
● આ અધિનિયમની કલમ 23(1) હેઠળ મામલતદારે કરેલ કોઈપણ હુકમ ઉપર અપીલ થઈ શકશે નહીં. માત્ર જિલ્લા કલેકટર પોતે આ અધિનિયમની કલમ 23(2) મુજબ આવા કોઈ દાવાનું રેકર્ડ માંગવીને તપાસી શકશે અને જો કોઈ કાર્યવાહી કે હુકમ ભૂલ ભરેલો જણાશે તો પક્ષકારોને નોટિસ આપી રૂબરૂ સાંભળીને યોગ્ય તે હુકમ કરી શકશે. ઘણા તાલુકાઓમાં કલેકટરે આ સત્તા પોતાના તાબા હેઠળના નાયબ કલેકટરોને આપવામાં આપેલ હોય છે. આથી મામલતદારના હુકમ સામે નારાજ પક્ષકાર કલમ 23(2) મુજબની રિવિઝન અરજી અહી દાખલ કરી શકે છે.
■ મામલતદાર કોર્ટ એક્ટ એક ખૂબ નાનો પરંતુ અસરકારક અને ખેડૂતોને ઉપયોગી કાયદો છે. મામલતદાર દ્વારા દાવો દાખલ થાય કે તરત આ કાયદાની અમલવારી શરૂ કરી અને તાત્કાલિક નિર્ણય આપી દેવો જોઈએ. કારણકે ઘણા ખેડૂતો વર્ષોથી આ સમસ્યાઓથી પીડાતા હોવાનું ધ્યાને આવેલ છે. ન્યાય સમયસર મળે તો જ ન્યાય કહેવાય બાકી મોડો મોડો મળે એ ન્યાય નહીં પણ અન્યાય કહેવાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ abhayamnews.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
1 comment
Comments are closed.