દર્શન માત્રથી ભીડભંજન કષ્ટરૂપી ભીડને દૂર કરશે વડોદરાના હરણી વિસ્તારમાં મનુષ્ય સ્વરૂપે બિરાજતા હનુમાનજીનું મંદિર આવેલું છે ભક્તોના જીવનમાં આવતી સમસ્યાઓ દૂર કરતા દેવ ભીડભંજન હનુમાન તરીકે પૂજાય છે દાદાનુ મંદિર તેત્રા યુગમાં સ્થાપયેલું હોવાની માન્યતા છે, વિશ્વામિત્ર ઋષિને મળવા ભગવાન રામ આ સ્થળે આવ્યા અને ઋષિઓને ત્રાસ આપતા દેત્યોના વિનાશ માટે હનુમાનજીને ભગવાન રામે આજ્ઞા કરી હતી. ત્યારથી અહી હનુમાનજી સાક્ષાત બિરાજમાન છે.
વડોદરાના એરપોર્ટ રોડ પર આવેલું હરણી ભીડ ભંજન મંદિર પૌરાણિક મંદિર છે. હનુમાનજીના મંદિરની દ્વાપર અને તેત્રા યુગમાં સ્થાપના થયુ હોવાની માન્યતા છે. રામાયણ અને મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરામ બંને પધાર્યા હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. વિશ્વામિત્ર ઋષિને મળવા ભગવાન રામ અહી આવ્યા અને ઋષિઓને ત્રાસ આપતા દેત્યોના વિનાશ માટે હનુમાનજીને અહિ રહેવા માટે આજ્ઞા કરી ત્યારથી અહી હનુમાનજી સાક્ષાત બિરાજમાન છે. મંદિરના દ્વાર સવારના પાંચ વાગે ખુલે છે અને રાતના બાર વાગ્યા સુધી દર્શનાર્થી દાદાના દર્શનનો લાભ લેય છે, દિવસ દરમ્યાન હજારો ભાવિકો હનુમાનજીના દર્શન કરી ધન્ય થાય છે.
દર્શન માત્રથી ભીડભંજન કષ્ટરૂપી ભીડને દૂર કરશે
ભીડ ભંજન હનુમાન મંદિર દેશના બીજા હનુમાન મંદિરો કરતા અલગ
હનુમાનજીના મંદિરમાં દાદાની પ્રતિમા વાનર સ્વરુપે હોય છે પણ ભીડભંજન હનુમાન દાદાના મંદિરમાં તેમની પ્રતિમા મનુષ્ય સ્વરુપે છે એટલે ભીડ ભંજન હનુમાન મંદિર દેશના બીજા હનુમાન મંદિરો કરતા અલગ છે. સ્કંધ પુરાણ શ્ર્લોકોના આધારે કહેવાય છે કે અનંત કોટી વર્ષ સુધી વિશ્વામિત્રી નદીના કિનારે રહેવા હનુમાનજીને આજ્ઞા કરવામાં આવી છે અને વીર હનુમાન બિરાજમાન છે, ભક્તોની કષ્ટરૂપી ભીડને દૂર કરતા હોવાથી ભીડભંજન હનુમાનદાદા નામ પડ્યું છે. શ્રી રામ ભગવાનની અગિયાર બ્રહ્મવર્ષ સુધી આ સ્થળ પર મુકામ કરવાની આજ્ઞાને અનુસરી દાદા ભક્તોની રક્ષા કરી રહ્યા છે.
શહેરનો વિસ્તાર વધતા ભાવિકભક્તોની સંખ્યા પણ વધી
વર્ષો પહેલાં વડોદરાની ભાગોળે જંગલ વિસ્તાર એટલે હરણી ગામ પાસે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલી હનુમાન મંદિરની જગ્યા હાલ વડોદરા શહેરમાં આવી ગઈ છે. શહેરનો વિસ્તાર વધતા ભાવિકભક્તોની સંખ્યા પણ વધી છે. વડોદરા અને દેશના અન્ય રાજ્યમાંથી આવીને વડોદરામાં વસતા શહેરવાસીઓ હનુમાનજી દાદાના સુંદરકાંડમાં બેસે છે ત્યારે તેમને હનુમાનજીનો સાક્ષાતકાર થાય છે.
ભાવિકભક્તો ત્રણ ત્રણ પેઢી થી નિયમિત દાદાના દર્શને આવી આશીર્વાદ મેળવી ધન્ય થાય છે
હનુમાનજીને ચિરંજીવી દેવ માનવામાં આવે છે, રામાવતાર અને કૃષ્ણ અવતારમાં બંને વખતે આ ધરતી પર ભગવાન પધારેલા છે. તેવા પુરાણોમાં ઉલ્લેખ છે. કળીયુગના જીવતા જાગતા દેવ હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધા વર્ષો જૂની છે ભાવિકભક્તો ત્રણ ત્રણ પેઢી થી નિયમિત દાદાના દર્શને આવી કુટુંબની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હનુમાનજીના આશીર્વાદ મેળવી ધન્ય થાય છે.
દાદાના દર્શન કરવા આવતા ભાવિકોને દાદામાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે
હરણી ભીડ ભંજન હનુમાન મંદિરે ધર્મના પ્રચાર માટે સતત પ્રવૃત્તિ કરવામાં આવે છે ભક્તો માટે હનુમાનજીને તેલ ચડાવવાની સુંદર આધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે. રોજ દાદાના દર્શન કરવા આવતા ભાવિકોને દાદામાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. હનુમાનજીના દર્શને ના આવી શકે તો બેચેન થઈ જવાય અને જો શહેર બહાર ગયા હોય તો દાદા સ્વપ્નમાં દર્શન આપે છે, સાચા ભક્તોની સાચી ભક્તિ અને દાદાની લીલા નિરાળી છે.
હનુમાનજીનાં મંદિરે નિયમિત સુંદરકાંડનાં પાઠનું પઠન કરવામાં આવે છે
સવાર સાંજ આરતી અને શનિવાર, મંગળવારે સુંદરકાંડના પાઠનું પઠન ભીડભંજન હનુમાનજીના મંદિરે ભક્તિમય વાતાવરણનુ સર્જન કરે છે. કોરોનાકાળમાં પરંપરા અનુસાર ભક્તો અને સમાજની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આયોધ્યાથી વડોદરા વસેલા ગાયક દ્વારા સુંદરકાંડના પાઠ કરવામાં આવે છે. સુંદરકાંડનુ મહાત્મ્ય પણ અનેરુ છે. ભીડભંજન હનુમાનજીના મંદિરમાં વર્ષોથી સુદરકાંડના પાઠ અવિરત ચાલી રહ્યા છે.
રામના ભક્ત હનુમાનજી ભાવિકોની મનોકામના પૂર્ણ કરે છે
ભીડભંજન હનુમાનજીના મંદિર પરિસરમાં શિવલિંગ પૂજા અને શનિદેવની પણ સ્થાપના કરવામાં આવી છે. કળિયુગમાં ચિરંજીવી દેવ હનુમાનજીના ભક્તોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરાના હરણીમાં આવેલા ભીડભંજન હનુમાન ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે અને ભગવાન રામના ભક્ત હનુમાનજી ભાવિકોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે