દ્વારકાઃ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમાં તેમણે દ્વારકા ખાતે લોકોને સંબોધી ખેડૂતો સહિત ભારતને નંબર-1 બનાવવાના મુદ્દાને ઉઠાવ્યો છે. આ દરમિયાન તેમણે સિંચાઈ વ્યવસ્થાથી લઈને ખેડૂતોને વિવિધ ભથ્થાઓ આપી લોન માફી મુદ્દે મોટી જાહેરાત કરી છે. નોંધનીય છે કે આની સાથે અરવિંદ કેજરીવાલે પેપરલિક મુદ્દે પણ આકરુ વલણ અપનાવી 10 લાખ સરકારી નોકરી આપવાની ગેરન્ટી પણ આપી છે.
ખેડૂતોને વીજ પુરવઠો સારી માત્રામાં આપીશું- અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે પોતાની જનસભાને સંબોધતા ખેડૂતોના મોટાભાગના પ્રશ્નનોના નિરાકરણનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ખેડૂતોને 12 કલાક સુધી ખેતી કરવા માટે વીજળીનો પુરવઠો પહોંચાડવાનું કામ આપ કરશે. ખેડૂતોને જો પાક નિષ્ફળ જશે તો 20 હજાર પ્રતિ એકર દ્વારા તેમને વળતર આપવાની ગેરન્ટી પણ આપી હતી. ત્યારપછી એક વર્ષની અંદર અરવિંદ કેજરીવાલ દેવુ માફ કરવાની સાથે ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો પુરવઠો પૂરો પાડવાની પણ જાહેરાત કરી હતી.
આની સાથે અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ખેડૂતોની દેવું, પાક વીમાના પૈસા ન મળવા, ટેકાના ભાવ નથી મળતા અને વીજળી જેવી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કાર્ય કરવાની જાહેરાત કરી હતી.
સરકારી નોકરીઓ વધારીશું, બેરોજગારોને રોજગાર આપીશું- કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે અત્યારે ગુજરાતમાં બેરોજગારી દરને ઘટાડવા માટે અમે સતત પ્રયાસ કરીશું. આમ આદમી પાર્ટી ક્યારેય ખોટા વાયદાઓ કરતી જ નથી. અમે અત્યારસુધી જે જે સરકારી ભરતીની પરીક્ષા સ્થગિત રહી છે તેની સાથે 10 લાખ સરકારી નોકરીની તકો ઉભી કરી બેરોજગારી દૂર કરીશું. આ દરમિયાન બેરોજગારોને દર મહિને 3 હજાર રૂપિયા આપવાની પણ ગેરન્ટી આપી હતી. તેવામાં કેજરીવાલે જણાવ્યું કે જો પાંચ વર્ષમાં કઈ ન થાય તો અમને ધક્કા મારીને બહાર કાઢી નાખજો.