▪️ આ લેખનો ભાગ-1 હજુ તો પ્રકાશિત થયો અને તરત જ બીજા દિવસે સોમવારે ઓળખ પરેડ બાબતે જુબાની આપવા જવાનો એક નવો સમન્સ આવી ગયો. સોમવારે ફોન કરીને કોન્સટેબલ કહે છે કે આવતીકાલે મંગળવારે તમારી મુદ્દત છે અને ખંભાળિયા કોર્ટ સમક્ષ તમારે હાજર રહેવાનુ છે. મે કહ્યું ભાઈ મને માત્ર 24 કલાક પહેલા તમે જાણ કરો તો મારે કેમ કરીને આવવું ? થોડું એડ્વાન્સમાં જાણ કરતાં જાવ. તો મને કહે કે આપને અઠવાડીયા પહેલા વ્હોટ્સએપથી જાણ કરેલ. મે કહ્યું મને રોજના કેટલાય મેસેજ વ્હોટ્સએપમાં આવતા હોય છે. મારૂ ધ્યાન બધા મેસેજ પર ન હોય અને એવો સમય પણ ન હોય કે દરેક ઇમેજ ડાઉનલોડ કરીને જોઈ શકું. તમારે મને મારા સરનામે પત્ર મોકલવો જોઈએ. તો મને કહે કે હવે વ્હોટ્સએપ વાળી જ સિસ્ટમ થઈ ગઈ છે. તમે આવી જજો આવતીકાલે.
▪️અગાઉ લોકડાઉન પહેલા આ જ કેસ બાબતે મને આવી જ રીતે સમન્સ મળેલ કે આવતીકાલે આવી જજો અને મારે સામેવાળા વકીલ સાથે પણ વાત થયેલી. મે કહ્યું કે મે ઓળખ પરેડનું પંચનામું વ્યવસ્થિત કરીને કોર્ટને જમા કરાવી દીધેલ છે છ્ત્તા તમે 3 વર્ષ બાદ મને રૂબરૂ જુબાની માટે બોલાવવાનો આગ્રહ શા માટે રાખો છો ? મને અત્યારે કશું યાદ પણ નથી. તો કહે કે આ પ્રોસીઝર છે. તમે ખાલી એક વખત આવી જાવ એટ્લે પછી બીજી વખત ધક્કો નહીં કરાવીએ. નામદાર કોર્ટની આવી જ કેટલીક પ્રોસીઝરનો કાયદાના જાણકાર લોકો ગેરલાભ ઉઠાવે છે. મહેસાણામાં એક એડ્વોકેટે મારી ઓફિસમાં આવીને મારા ક્લાર્ક સાથે કોઈ કામ બાબતે માથાકૂટ કરેલી અને મારા ક્લાર્ક સાથે અભદ્ર ભાષામાં વાતચિત કરીને જતો રહેલો. થોડા દિવસો બાદ એ મને મળવા આવેલો ત્યારે મારા સ્ટાફે મારૂ ધ્યાન દોર્યું કે આ એ જ એડ્વોકેટ છે જેણે આપણા ક્લાર્કને અપશબ્દો કહેલાં.
▪️હું એ એડવોકેટને ખીજાયો અને મે કહ્યું કે સરકારી કર્મચારી સાથે ફરજ દરમિયાન અભદ્ર ભાષામાં વાત કરવાની શું સજા થાય એ તમને વકીલ તરીકે ખ્યાલ જ હશે ! આ સાંભળીને એ ભાઈ ગિન્નાયો. મને કહે તમને જોઈ લઇશ. પછી પોલીસ સ્ટેશને ખોટી ફરિયાદ લખાવવા પહોંચી ગયો. પોલીસ ઈન્સ્પેકટર સાહેબને કહે કે મામલતદાર મહેસાણા એ મારૂ જાહેરમાં અપમાન કર્યું, મને ગાળો આપી, મને માર માર્યો, મને ધકકા મારીને પોતાની ચેમ્બર બહાર કાઢ્યો અને મને જાનથી મારી નાંખવાની ધમકી આપી…. તમે ફરિયાદ લખો ને લખો જ. ઈન્સ્પેકટર સાહેબ આ છાપેલ કાટલાં જેવા વકીલને પહેલેથી જ ઓળખતા હતા. તેઓ સમજતા હતા કે એકઝીક્યુટિવ હોદ્દા પર બેઠેલો અધિકારી આવું વર્તન ક્યારેય કરે જ નહીં. એમણે ફરિયાદ લીધી નહીં એટ્લે એ વકીલ જિલ્લા પોલીસ વડાશ્રી પાસે ગયા. ત્યાં પણ તેને સપોર્ટ મળ્યો નહીં. અંતે તેઓ નામદાર કોર્ટમાં ગયા અને કોર્ટને પોલીસ પોતાની ફરિયાદ લેતા ન હોવાની રજૂઆત કરી. કોર્ટે પોલીસને આદેશ કર્યો કે વકીલની ફરિયાદના આધારે તપાસ કરીને કોર્ટને અહેવાલ કરો. પોલીસે કેટલાક નિવેદનો અને સોગંધનામાં લઈને કોર્ટમાં પોતાનો અહેવાલ રજૂ કર્યો અને કોર્ટે વકીલની ફરિયાદ કાઢી નાંખી.
▪️વકીલ પોતે કોર્ટ પ્રક્રિયાનો જાણકાર હોવાથી તે પોતાના જ્ઞાનનો દુરૂપિયોગ કરવા લાગ્યો. તેણે ફરીથી અપીલ દાખલ કરી અને કહ્યું કે નીચલી કોર્ટે આપેલ ચુકાદો ખોટો છે. પોતે હવે મારી નામજોગ ફરિયાદ દાખલ કરાવી, જેથી કરીને મને સરકારી વકીલ મળે નહીં. આ સમયે મારૂ પોસ્ટિંગ ડાંગમાં હતું. નામદાર કોર્ટની તારીખ પે તારીખ આપવાની કુમળી બાજુનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો. દર મહિને કોઈને કોઈ બહાને એ એકાદ મહિનાની મુદ્દત માંગે. ડાંગથી છેક મહેસાણાનું આવવા જવાનું લગભગ 1000 કિલોમીટર અંતર કાપીને મારે દરેક મુદ્દતે માત્ર ધક્કો થતો. ડીઝલનો બગાડ, સરકારી કલાકોનો બગાડ, વગેરે કેટલાય નુકસાન…
▪️એક મુદ્દતે મે જજ સાહેબને કહ્યું કે સાહેબ આ વકીલનો હેતુ જ મને માત્ર ધક્કા કરવવાનો તથા શારીરિક અને માનસિક હેરાન કરવાનો છે. હકીકતે તદ્દન ખોટો માણસ છે. અમારે તેની ઉપર ફરિયાદ કરવી જોઈતી હતી એને બદલે ઊલટું એ અમારી ઉપર ચડી બેઠો છે. મે જજ સાહેબને વિનંતી કરી કે સાહેબ મહેરબાની કરીને આપણા બધાનો કિંમતિ સમય વેડફાતો બચાવી લ્યો. જજ સાહેબ ખૂબ સારા માણસ હતા. એમણે મને કહ્યું કે હવે આગામી મુદ્દતે તમે ધક્કો નહીં ખાતા. તેમણે આગામી મુદ્દતે પેલા વકીલને સમજાવ્યો કે તમે સમાધાન કરી લ્યો. મેટરમાં ખાસ કઈ નથી. બિનજરૂરી સમય બગડે છે કોર્ટનો… આ ઘટના બાદ વકીલે મુખ્ય ન્યાયાધીશ સાહેબશ્રીને એ જજ સાહેબ વિરુદ્ધ એવી ફરિયાદ કરી કે તેઓ મામલતદાર સાથે ભળી ગયા છે અને મને કેસ પાછો ખેંચી લેવા પ્રેશર કરે છે !! આ અરજીને કારણે નામદાર કોર્ટે વકીલનો અપીલનો કેસ અન્ય જજ સાહેબની કોર્ટમાં ટ્રાન્સફર કરી આપ્યો. ફરીથી મુદ્દતે જવાના સમન્સ આવવા લાગ્યા અને ધક્કા થવા લાગ્યા. આવા ખોટા માણસો અત્યારે કાયદાનો અને કોર્ટની નબળી બાજુઓનો દુરુપીયોગ કરી રહ્યા છે. ભોગવવાનું આવે છે નિર્દોષ માણસોને. પોતે પોતાના અંગત માણસો દ્વારા મારી પાસે આર્થિક રીતે સમાધાન કરવાની પોતાની ઈચ્છા હોવાની લાગણી પ્રદર્શિત કરેલી. પરંતુ આપવું અને લેવું એ મારા સિધ્ધાંત વિરુદ્ધ હોય આજે નોકરી જતી રહી હોવા છ્ત્તા આ બાબતે મહેસાણા કોર્ટના ધક્કા ખાઈ રહ્યો છું. કોઈને કશો જ ફર્ક પડતો નથી.
▪️ન્યાયિક પ્રક્રિયાઓ ઝડપી બનાવવાની ખૂબ જરૂરિયાત છે. કોર્ટમાં કામગીરીના કલાકો વધારવાની જરૂર છે. મામલતદાર તરીકે મે ચોથા દરજ્જાના એકઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકેની ભૂમીકા ભજવેલ. મારી કોર્ટમાં સરકારી જમીનમાં દબાણના પ્રશ્નો, ખેતીની જમીનમાં જવા આવવાના રસ્તા બાબતના પ્રશ્નો, ઇ-ધરા નોંધો બાબતે તકરારી કેસો, રિમાન્ડ કેસો, હક ચોક્સીના કેસો વગેરે કેસો ચાલતા. સામાન્ય રીતે દરેક મામલતદાર કચેરીમાં એવું હોય છે કે તકરારી અરજી આવે એટ્લે જમીન ક્લાર્ક તેનો કેસ બનાવી નાંખે અને બોર્ડ પર મૂકી દે. પરંતુ મારો એક નિયમ હતો કે મારી કચેરીમાં ઉકત મુદ્દે દાખલ થતી દરેક પ્રકારની અરજીની હું જાતે ચકાસણી કરતો અને અરજીમાં ઉલ્લેખિત ફરિયાદોની ખરાઈ કર્યા બાદ જ કેસ દાખલ કરતો. મને એવું લાગે કે ફરિયાદમાં તથ્ય જણાતું નથી તો એક મુદ્દત આપીને ફરિયાદીને આધાર પુરાવા સાથે રૂબરૂ બોલાવતો. મને જો મગજમાં ઉતરે તો જ કેસ દાખલ કરતો. અન્યથા તેની અરજી ઉપર જ ચાર લાઈનો લખીને ફરિયાદ અરજી દફતરે કરી આપતો. આવું કરવાથી કેસનું ભારણ ઘટતું અને જેની ઉપર ખોટી ફરિયાદ દાખલ થઈ હોય તેને પણ રાહત થતી. અલબત મારી આ કાર્યપધ્ધતિનો કેટલાક વકીલ મિત્રોએ ખૂબ વાંધો ઉઠાવેલ પરંતુ મે કોઈને મહત્વ આપેલ નહીં. મારી આ કાર્યપધ્ધતી લોકોના હિતમાં હતી. નહીં કેસ દાખલ કરવાનો ખર્ચો, નહીં ઝેરોક્ષ કે નોટરીનો ખર્ચો, નહિ વકીલનો ખર્ચો, નહીં વહીવટનો ખર્ચો….
▪️ મારી કોર્ટમાં ચાલતા કેસ બાબતે પણ મારો પ્રખર નિયમ હતો કે મે લગભગ કોઈ કેસમાં ત્રણથી વધારે મુદ્દતો આપેલ નથી. મુદ્દતો પણ અઠવાડીયાની જ આપતો. ત્રણ મુદ્દતો બાદ કેસપેપર્સ અને મેરીટના ધોરણે હું કેસનો નિકાલ કરતો. સાચા માણસને અન્યાય ન થાય એ બાબતની પૂરેપુરી તકેદારી રાખતો. વધીવધીને એક માહિનામાં તો હું કેસનો નિકાલ કરી આપતો. એડવોકેટશ્રીઓને પણ મે મિટિંગ ભરીને સમજાવેલ કે હું મુદ્દત નહીં આપું. કેસ દાખલ કરાવનાર વકીલશ્રી પોતાની દલીલના મુદ્દાઓ પહેલી જ મુદ્દતે તૈયાર રાખવાના. તમે બહાર જવાના હોવ તો જુનિયર ને મોકલી આપવાના. મારા તાલુકાનાં વકીલશ્રીઓને અનુકૂળ દિવસે જ હું કેસવર્ક રાખતો. કેટલાક સારા અને વ્યવસ્થિત વકીલોને તો મારી આ સિસ્ટમ ખૂબ ગમી ગઈ હતી. કારણકે એમને ફાયદો એ હતો કે કોઈ કેસ પેપર્સને લાંબો સમય સાચવી રાખવા પડતાં નહિ. કેસ વહેલો પુરો થાય એમ એમની ફી પણ વહેલી મળી જાય. અપીલમાં જવાનું થાય તો તેની અલગથી ફી મળે. અપીલ માટે સમય પણ બચે. ઘણી વખત કેસ સબબ વકીલશ્રીઓને મારી જ કચેરીમાથી કાગળોની જરૂર હોય એવા કિસ્સાઓમાં હું એમની પાસેથી અરજી લઈને પ્રોસિડિંગમાં મારા રેકર્ડ ક્લાર્કને જ દિન 2 માં માંગેલ સાધનિક કાગળો જે-તે વકીલશ્રીની ઓફિસે હાથોહાથ પહોંચાડી આપવા જણાવતો. જેથી કરીને વકીલશ્રીનો અગત્યનો સમય બગડે નહીં અને આગામી મુદ્દતે પણ તેઓ પોતાનો જવાબ પુરાવા સાથે રજૂ કરી શકે. મારો રેકર્ડ છે કે મે મારા પછીના મામલતદાર સાહેબોને વારસામાં એકપણ કેસ ક્યારેય આપ્યો નથી. જ્યાથી મારી બદલી થઈ છે ત્યા મે લગભગ કોઈ કામ પેન્ડિંગ રાખેલ નથી.
▪️નામદાર કોર્ટ અને આપણો કાયદા વિભાગ જો ધારે તો જ્યુડિશિયરી સિસ્ટમનું રિનોવેશન કરી શકે છે. હાલ પણ આપની હાઇકોર્ટમા હાઈલી ક્વોલિફાઇડ અને કાયદાનું જબરદસ્ત જ્ઞાન ધરાવતા ઘણા જજ સાહેબો પોતાની ફરજ શ્રેષ્ઠ રીતે બજવી રહ્યા છે. એ પૈકીનાં ઘણાખરા સરકારી સિસ્ટમને પણ આંખના કણાની જેમ ખૂંચી રહ્યા છે. સ્વાભાવિક છે કે પોતાના ફિલ્ડમાં સારું અને સ્વતંત્ર કામ કરનાર હંમેશા આ સિસ્ટમને પસંદ નથી જ પડવાનો. કેટલાક જજ સાહેબોની કોર્ટમાં જઈને આપણે બેસીએ અને એમની કાર્યશૈલી જોઈએ તો પ્રભાવિત થઈ જવાય છે. જિલ્લા-તાલુકાની કોર્ટમાં તેમજ હાઇકોર્ટમા જબરદસ્ત વકીલાત કરનારા માથાઓ પડ્યા છે. ગરીબોને રાહત દરે અથવા મફતમાં પણ કેસ લડી આપનારા માનવીય અભિગમ ધરાવનારા વકીલો પણ મે જોયા છે. ઘણી વખત આપણને એવું લાગે કે વકીલોની ફી બહુ વધારે છે પરંતુ આખો દિવસ કોર્ટમાં અસીલો માટે દલીલો કર્યા બાદ સાંજે ઓફિસે જઈને મોડી રાત સુધી એમને સતત કામ કરવું પડતું હોય છે. ઘણા અઘરા ક્રિમિનલ કેસોમાં ખૂબ જ અભ્યાસ કરવો પડતો હોય છે. માત્ર ડોક્ટરને જ નહીં પરંતુ મજબૂર અને દુ:ખી માણસને ન્યાય અપાવનાર વકીલને અને ન્યાય આપનાર જજસાહેબને પણ લોકો ભગવાન તરીકે જુએ છે. એક જ પ્રાર્થના કે જ્યુડિશિયરી રાજકારણથી પરે રહે અને તેના પર લોકોનો વિશ્વાસ કાયમ રહે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…