રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે લોકોને ધંધા-રોજગાર બંધ હતા તેથી લોકોને ખૂબ જ નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાની બીજી લહેર દરમિયાન પણ રાજ્ય સરકાર દ્વારા આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા 36 જેટલા શહેરોમાં રાત્રી કર્ફ્યૂ દરમિયાન માત્ર જીવન જરૂરિયાતની દુકાનો જ ખોલવાની છૂટ આપવામાં આવી હતી પરંતુ હવે કોરોનાનું સંક્રમણ ઘટતાં રાજય સરકાર દ્વારા છૂટછાટોમાં વધારો કરવામાં આવ્યો છે. હવે સવારના 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ લોકડાઉન અને આંશિક લોકડાઉનના કારણે હોટલ, રેસ્ટોરાં, રિસોર્ટ અને વોટરપાર્કને ખૂબ જ મોટો આર્થિક ફટકો પડયો છે. તેથી હોટલ સંચાલકોએ રાજ્ય સરકાર સામે વીજ બીલમાં રાહત આપવા અને પ્રોપર્ટી ટેક્સ માફ કરવા માટે રજૂઆત કરી હતી.
હાલ કોરોનાની મહામારી વચ્ચે રાજ્યમાં વોટરપાર્ક બંધ છે. આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરાંમાં રાતે 9 વાગ્યા સુધી જ ટેક-અવે ફેસીલીટીથી લોકોને પાર્સલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સાથે જ રાત્રે 10 વાગ્યા સુધી હોમ ડિલીવરીની પણ છૂટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. રાજ્યમાં અંદાજિત 50 હજાર જેટલા રેસ્ટોરાં અને હોટલ કાર્યરત છે. તે આડકતરી રીતે 10થી 12 લાખ લોકોને રોજગારી આપી રહી છે. મોટાભાગે લોકો તેના ફેમિલી સાથે રાત્રીના સમયે જ હોટલ અને રેસ્ટોરાંમાં જવાનું પસંદ કરે છે પરંતુ કોરોનાની મહામારી વચ્ચે રાત્રી કર્ફયૂના કારણે રાત્રે હોટેલ અને રેસ્ટોરાં બંધ થઈ જતા હોવાના કારણે લોકો પરિવાર સાથે જમવા જઈ શકતા નથી. આ જ કારણે હોટલ ઈન્ડસ્ટ્રીઝને ખૂબ મોટું નુકસાન થયું છે.
રાજ્ય સરકાર દ્વારા તેમની રજૂઆતને ધ્યાને લઈને એક વર્ષનો પ્રોપર્ટી ટેક્સ અને વીજ બિલના ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધી રાજ્યની તમામ હોટલ, રિસોર્ટ, રેસ્ટોરાં અને વોટરપાર્કને 1 વર્ષ માટે ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કોર કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના અગ્રસચિવ કે. કૈલાસનાથન અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિતના સચિવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે, રિસોર્ટ, રેસ્ટોરાં, હોટલ, વોટરપાર્ક અને વીજ બિલમાં ફિક્સ ચાર્જમાંથી પણ મૂક્તિ આપવામાં આવે અને બીજો નિર્ણય એ કરવામાં આવ્યો છે કે, વીજ બિલમાં પણ ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપીને વીજ બિલનો આકારી ચાર્જ જ વસૂલવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લેવામાં આવેલા નિર્ણયના કારણે હોટલ, રિસોર્ટ અને રેસ્ટોરાંના માલિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
તો બીજી તરફ ઉનાળામાં જ મોટા ભાગે લોકો વોટરપાર્કમાં જઈને પાણીમાં પરિવારની સાથે આનંદ માણતા હોય છે પરંતુ ઉનાળામાં કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ લાગવામાં આવ્યા હોવાના કારણે વોટરપાર્ક પણ બંધ કરવામાં આવ્યા હતા. તેથી વોટરપાર્કના સંચાલકોને પણ ખૂબ મોટી નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…