દારૂની છૂટછાટ મુદ્દે બોલ્યા અલ્પેશ ઠાકોર ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં આપવામાં આવેલી દારૂની છૂટછાટને મુદ્દે છેલ્લા બે દિવસથી મામલો ગરમાયો છે. ભાજપ પક્ષ આ નિર્ણયને આવકારી રહ્યું છે, તો વિપક્ષ આને વખોડી રહ્યું છે. તેમને કહેવું છે કે, દારુબંધી વાળા ગુજરાતમાં આ રીતે દારૂની છૂટછાટ આપવી યોગ્ય નથીં. પરંતુ આ બધાની વચ્ચે હવે ભાજપ નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મોટું નિવેદન આપ્યુ છે. દારૂ પર જનતા રેડ કરીને રાજકારણમાં આવેલા અલ્પેશ ઠાકોરે કહ્યું કે, હું દારૂબંધીનો હિમાયતી છું અને રહીશ. ગિફ્ટ સિટીમાં દારૂની હાટડીઓ નહીં ખુલે.
ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકેરે શું કહ્યું –
ગિફ્ટ સિટીમાં અપાયેલી દારૂની છૂટ અંગે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, હું દારૂબંધીનો હિમાયતી છું અને રહીશ. ગિફ્ટ સિટીમાં માત્ર બહારથી આવતા લોકો માટે છૂટ અપાઈ છે. આ કોઈ નવી બાબત નથી ગુજરાતની અનેક હોટલોમાં આવી છૂટ છે. પરમીટ ધારકો માટે ગુજરાતની અનેક હોટલમાં આ વ્યવસ્થા પહેલાથી છે, ગિફ્ટ સિટીમાં ગુજરાતીઓ માટે છૂટ આપવામાં નથી આવી. કોઈ અમદાવાદથી ગિફ્ટ સિટીમાં દારૂ પીવા આવે એવું નહીં બને. ગિફ્ટ સિટીમાં દારૂની હાટડીઓ નથી ખૂલવાની.
દારૂની છૂટછાટ મુદ્દે બોલ્યા અલ્પેશ ઠાકોર
કૃષિ મંત્રી રાઘવજી પટેલે શું કહ્યું –
ગિફ્ટ સિટીમાં ડાઇન એન્ડ વાઇન મામલે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું ગિફ્ટ સિટીની જરૂરિયાતોને લઈ નિર્ણય લીધો છે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય વેપારી, તજજ્ઞો આવશે જેથી સમગ્ર નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નિર્ણયને હું આવકારું છું. સુરત, મોરબી અને રાજકોટમાં ઉઠેલી માંગ અંગે સરકાર વિચારણા કરશે.
બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને રાજ્યને કલંકિત કરતી ઘટના ગણાવી –
બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા હાલમાં ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે દારૂની છૂટ આપવામાં આવતા તાત્કાલિક અસરથી ગાંધીનગરમાં લીકર સેવન ઉપર તાત્કાલિક રોક લગાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું કે ગાંધીના આ ગુજરાતમાં ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી/અધિકારી તેમજ ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ આપવામાં આવી રહી છે, જે ગુજરાત રાજ્યને કલંકિત કરતી ઘટના છે, ગુજરાતની અસ્મિતાનું ઘોર અપમાન કહી શકાય તેવી સ્થિતિ ઉભી થવા જઈ રહી છે, ગાંધીના ગુજરાતમાં દરેક ગુજરાતીનું આ ઘોર અપમાન છે જેના લીધે ગુજરાતની જનતાની લાગણી દુભાઈ શકે તેવું કૃત્ય થવા જઈ રહ્યું છે, ગુજરાતમાં દારૂબંધી માટે કડક વલણ દાખવવામાં આવે અને તાત્કાલિક અસરથી ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી/અધિકારી તેમજ ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ પર રોક લગાવવામાં આવે તેવી દરેક ગુજરાતીની લાગણી અને માંગણીને ધ્યાને રાખી તાત્કાલિક અસરથી આ છૂટ પર રોક લગાવવા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ માંગ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે