Abhayam News
AbhayamNews

અનેક અનાથ બાળકોની માતા સિંધુતાઈ સપકાલે આ જગતમાંથી વિદાય લીધી, વાંચો હિમતવાન નારીની આ અદભૂત કથા…

મહારાષ્ટ્રના વર્ધા જીલ્લામાં પીંપરી નામનું એક ગામ છે. આ ગામમાં એક સામાન્ય પરિવારમાં એક દિકરીનો જન્મ થયો. છોકરીને ભણવાની ખુબ ઇચ્છા પરંતું પરિવારની નબળી આર્થિક પરીસ્થિતીને કારણે માત્ર 4 ધોરણ સુધીનો અભ્યાસ જ કર્યો.

હજુ તો 10 વર્ષની ઉંમર થઇ ત્યાં તેના લગ્ન કરી દેવામાં આવ્યા અને તે પણ ઉંમરમાં તેના કરતા 20 વર્ષ મોટા પુરુષ સાથે. 10 વર્ષની આ છોકરીએ પોતાનું નસીબ સમજીને 30 વર્ષના પતિને સ્વિકારી લીધો અને પિયરમાંથી સાસરીયે પ્રસ્થાન કર્યુ.

આ છોકરી 20 વર્ષની થઇ અને એના જીવનમાં સુખનો સુરજ ઉગ્યો. ભગવાને એની કુખમાં સંતાનનું સુખ રોપ્યુ. જેમ જેમ મહીના ચઢવા લાગ્યા તેમ તેમ આ યુવતીના ચહેરા પરનું તેજ વધવા લાગ્યુ. 9મો મહીનો પુરો થવા આવ્યો હવે બાળકના જન્મની ઘડીઓ ગણાતી હતી.

આવા દિવસોમાં કોઇપણ સ્ત્રીને સૌથી વધુ સહકાર એના પતિ તરફથી મળતો હોય એ સ્વાભાવિક છે. પતિના પ્રેમને કારણે બધી તકલીફોને એ સહજતાથી સહી લેતી હોય છે પરંતું આ યુવતિનું નસિબ કંઇક જુદી રીતે જ લખાયુ હશે એટલે જે સમયે પતિ એમની સાથે હોવો જોઇએ એવા સમયે પતિએ તેણીને ઘરની બહાર કાઢી મુકી.

કોઇ જાતના વાંક વગર આ ગર્ભવતી મહિલાને ઉપાડીને ઘરની બહાર ફેંકી દેવામાં આવી. ચાલી શકવાની કોઇ ક્ષમતા નહોતી એટલે ઘરના ફળીયામાં જ ઢોરને બાંધવાની જગ્યા સુધી એ માંડ પહોંચી શકી અને ત્યાં એક બાળકીને એણે જન્મ આપ્યો.

ડોકટર અને નર્સની સેવા તો એકબાજુ રહી અહીંયા તો મદદ માટે આજુ બાજુમાં કોઇ જ નહોતું. તાજી જન્મેલી બાળકીની નાળ કાપવા માટે કોઇ સાધન ન હોવાના કારણે બાજુમાં પડેલા ધારદાર પથ્થરનો ઉપયોગ કરીને તેનાથી નાળ કાપી.

બાળકના જન્મ પછી માતાને ખુબ નબળાઇ રહે તે સ્વાભાવિક છે આવી પરિથિતીમાં પણ બાળકીને પોતાની સાથે લઇને આ યુવતી અમુક કીલોમીટર ચાલીને એના પિતાના ઘરે પહોંચી.

બાપના ઘર સુધી પહોંચતા એને કેવી પીડા થઇ હશે તેની કલ્પના માત્ર પણ આપણને ધુજાવી દે છે તો જેણે આ પીડા અનુભવી હોય એની સ્થિતી કેવી હશે. પિતાના ઘરે પણ દિકરીને આવી ગંભીર હાલત હોવા છતા કોઇ અગમ્ય કારણસર સહારો ના મળ્યો.

બાપના ઘરનો દરવાજો પણ બંધ થઇ જતા આ યુવતી સાવ પડીભાંગી અને એને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. વિચાર એના પર કબજો જમાવે એ પહેલા થોડી જ ક્ષણોમાં એણે આ નબળા વિચારને મનમાંથી હાંકી કાઢ્યો.

પોતાની અને દિકરીની ભૂખ ભાંગવા માટે એણે રેલ્વે સ્ટેશન પર ભીખ માંગવાની શરુઆત કરી. ભીખમાંગવાની આ પ્રવૃતી ચાલુ કર્યા પછી એના ધ્યાન પર આવ્યુ કે બીજા કેટલાય અનાથ બાળકો માતા-પિતાનું છત્ર ગુમાવવાના કારણે ભીખ માંગવાનું કામ કરે છે અને નરકથી પણ બદતર જીવન જીવે છે.

એકલતા અને સમાજમાંથી તિરસ્કૃત થવાની પીડા આ યુવતીએ ખુદ અનુભવી હતી એટલે એણે આવા અનાથ બાળકો માટે અનુકંપા જાગી. આ મા વગરના બાળકની મા બનીને એમના માટે કંઇક કામ કરવાની પ્રેરણા થઇ.

એણે આવા અનાથ બાળકોને દતક લેવાનું ચાલુ કર્યુ. પરિવારથી તિરસ્કૃત થયેલી આ યુવતીએ ભીખ માંગીને બચાવેલી રકમમાંથી આ બાળકોના અભ્યાસ માટેની વ્યવસ્થા કરી. જે બાળકો ભીખ માંગતા હતા તે હવે ભણવા લાગ્યા. ધીમે ધીમે બાળકોની સંખ્યા વધતી ગઇ અને આ યુવતીનો પરિવાર મોટો થતો ગયો.

સિંઘુતાઈ સપકાલે કોઇ પાસેથી કોઇ પ્રકારની મદદ લીધા વગર એકાદ બે નહી પરંતું 1400થી વધુ બાળકોને મા બનીને સાચવ્યા છે. એમના કેટલાય દિકરા-દિકરીઓ આજે ડોકટર, એન્જીનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે સરકારી અમલદારો બની ગયા છે.

thequint.com

ભીખ માંગવાનું બંધ કરીને ભણવાની શરુઆત કરનાર આ બાળકો સમાજમાં આજે સન્માનનિય સ્થાને પહોંચ્યા છે. સિન્ધુતાઇ માત્ર બાળકોને દતક લેવાનું જ કામ નથી કરતા પરંતું તેના અભ્યાસની બધી જ વ્યવસ્થા કરે છે.

ઉંમર લાયક થાય ત્યારે દિકરા-દિકરીને પરણાવે છે. સુન્ધુતાઇને ૨૦૦થી વધુ જમાઇ છે અને ૪૦થી વધુ પુત્રવધુઓ છે.

એમની પોતાની દિકરીને બીજા બાળકો કરતા વધુ પ્રેમ કરીને ભૂલથી પણ બીજા બાળકોને અન્યાય ન થઇ જાય એ માટે સિન્ધુતાઇએ એની દિકરીને પોતાનાથી દુર કરી જે દિકરી પણ આજે માના રસ્તે ચાલીને અનાથ બાળકો માટેની સંસ્થા ચલાવતા હતા.

આ જગદંબાએ અનેક અનાથ બાળકોના અંધારિયા જીવનમાં અજવાળા પાથરીને પ્રભુના ઘરે જવા વિદાય લીધી છે. તાઈ આપના સંઘર્ષ, સમર્પણ અને સેવાને કોટી કોટી વંદન.

સિંધુતાઈને 2021માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેમને 750 કરતા વધુ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તેમણે હંમેશાં પુરસ્કાર રાશિ અનાથાલયોમાં ખર્ચ કરી. એટલું જ નહીં, 2010માં તેમની બાયોપિક બની હતા. મરાઠી ભાષામાં બનેલી બાયોપિકનું નામ ‘મિ સિંધુતાઈ સપકાલ’ હતું. આ બાયોપિક 54માં લંડન ફિલ્મ ફેસ્ટિવલના વર્લ્ડ પ્રીમિયર માટે પણ પસંદ કરવામાં આવી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આજથી તમામ બેંકોમાં કામકાજના સમયમાં થયો ઘટાડો: બેંકમાં જતા પહેલા ખાસ વાંચી લેજો આ સમાચાર…

Abhayam

“હંસાબેન ભરતભાઈ પરમાર”નો વધુ એક વિડીયો વાયરલ

Vivek Radadiya

સ્પેશ્યલ 26 જેવો સીન સુરતમાં! 

Vivek Radadiya